South Gujarat News: જુલાઈ મહિનામાં દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ (Power Supply Restoration) ગયો હતો. અનેક વીજપોલ, ટ્રાન્સફોર્મર અને ફીડરોને નુકસાન પહોંચતાં હજારો ગ્રાહકોને અસર થઈ હતી. સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ (GUVNL)ના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી.
Power Supply Restoration: 24×7 કંટ્રોલ રૂમથી કામગીરીનું મોનિટરિંગ

વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત થાય તે માટે DGVCL દ્વારા 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો. આ કંટ્રોલ રૂમ મારફતે સમગ્ર કામગીરીનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવ્યું અને વિવિધ વીજ વિતરણ કંપનીઓ વચ્ચે સતત સંકલન જાળવીને જરૂરી નિર્ણયો ઝડપી લેવામાં આવ્યા.
હજારો ટ્રાન્સફોર્મર અને ફીડરો થયા પ્રભાવિત
ભારે વરસાદના કારણે સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં કુલ 6,584 ટ્રાન્સફોર્મર, 213 વીજ ફીડર અને 200 વીજ પોલ પ્રભાવિત થયા હતા. પૂરનું પાણી ઓસરતા જ વીજ કંપનીના ઇજનેરો અને ટેક્નિકલ ટીમોએ સબસ્ટેશન, ટ્રાન્સફોર્મર અને વીજ લાઈનોનું નિરીક્ષણ શરૂ કર્યું હતું.
338 ટીમોએ દિવસ-રાત મહેનત કરી

વીજ પુરવઠો ઝડપથી શરૂ કરવા માટે DGVCLની 338 ટીમોના 1,334 અધિકારીઓ અને કર્મચારીઓ સતત મેદાનમાં કાર્યરત રહ્યા હતા. ઉપરાંત રાજકોટની PGVCL તરફથી આવેલી 10 ટીમોએ પણ રાહત કામગીરીમાં સહયોગ આપ્યો હતો.
1,000થી વધુ ગામોમાં ફરી વીજળી શરૂ
અવિરત કામગીરીના પરિણામે DGVCL હેઠળના 322 ગામો સહિત રાજ્યના 1,000થી વધુ પૂરગ્રસ્ત ગામોમાં વીજ પુરવઠો સફળતાપૂર્વક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સલામતીની તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તબક્કાવાર રીતે વીજળી ફરી શરૂ કરવામાં આવી હતી.
બાકી વિસ્તારોમાં પણ કામગીરી યથાવત
જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે તેવા વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટતા જ વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અધિકારીઓ સતત સ્થળ પર દેખરેખ રાખી રહ્યા છે અને વધારાના સ્ટાફ, વાહનો તેમજ જરૂરી સાધનોની મદદથી બાકી રહેલા વિસ્તારોમાં પણ ઝડપથી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.દિવસ-રાત કામગીરી કરનાર DGVCLના કર્મચારીઓના અવિરત પરિશ્રમના કારણે દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના ઘરેલુ વીજ જોડાણો ફરી કાર્યરત બન્યા છે. વીજ પુરવઠો પુનઃસ્થાપિત થતાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન ધીમે-ધીમે ફરી સામાન્ય બનવા લાગ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં અતિવૃષ્ટિનો મોટો ફટકો! 10 હજાર કરોડથી વધુના નુકસાનનો અંદાજ, કેન્દ્ર પાસે વિશેષ રાહત પેકેજની માગ
આ પણ વાંચો: ભારે વરસાદને લઈ રાજ્ય સરકાર હાઈ એલર્ટ, ફ્લડ કંટ્રોલ સેલમાં જળ સંપત્તિ મંત્રીની મહત્વપૂર્ણ બેઠક
આ પણ વાંચો: આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વરસાદી સ્થિતિ પર મહત્વની સમીક્ષા
