ભગવાન જગન્નાથજીની આવતીકાલે સવારે નીકળનારી રથયાત્રાની પૂર્વસંધ્યાએ CM વિજય રૂપાણી તેમના પત્ની સાથે જગન્નાથ મંદિર પહોચ્યા હતા. સાથે DyCM નીતિન પટેલ પણ નિજ મંદિર પહોચ્યા હતા. જ્યાં તેમનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરાયું હતું. અહીં તેમણે ભગવાન જગન્નાથની આરતી ઉતારી હતી. આ દરમિયાન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે બેઠક કરીને યાત્રા ની વિગતો મેળવી હતી. વિજય ભાઈ રૂપાણીએ આ અવસરે જણાવ્યું કે, રથયાત્રા એ ધાર્મિકની સાથે સાથે લોકોત્સવ પણ છે. માત્ર અમદાવાદ જ નહી પરંતુ સમગ્ર રાજ્ય માટે રથયાત્રા અદ્કેરૂ મહત્વ ધરાવે છે. ભગવાન જગન્નાથ લોકોનાં દેવ છે અને લોકોને સામે ચાલીને મળવા, દર્શન આપવા અષાઢી બીજે રથમાં બિરાજીને નગર યાત્રાએ નીકળે છે એ આપણી પરંપરા રહી છે. લોકો પણ આ યાત્રામાં સાથે મળીને ભક્તિભાવ પૂર્વક જોડાય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ વખતની રથયાત્રા આપણા માટે થોડી અલગ છે. રાજ્ય સરકારે લોકોની આસ્થા શ્રદ્ઘા ધ્યાને રાખીને કોવિડની પરિસ્થિતીના પગલે કોવિડ સંક્રમણ નિયંત્રણ ના પ્રોટોકોલ અને ગાઈડલાઈન પ્રમાણે આ રથયાત્રા નિયંત્રિત રીતે યોજવા મંજૂરી આપી છે ત્યારે લોકો પણ સહયોગ આપે તે જરૂરી છે.
નગરજનો ઘરે બેઠા દર્શન કરે તે સમયની માંગ છે. આ માટે રથયાત્રા ના લાઈવ ટેલિકાસ્ટ ની વ્યવસ્થાઓ પણ કરવા માં આવી છે તેનો સૌ લાભ લઈ ઘરે બેઠા જ યાત્રા નિહાળે અને ભગવાન ના દર્શન કરે તેવી અપિલ તેમણે કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે સૌ સમાજ વર્ગોના સુખ સમૃદ્ધિ અને વિકાસ થી ગુજરાત અડીખમ રહે વિકાસ માં સતત અગ્રેસર રહે તેવી પ્રાર્થના તેમણે કરી છે. ભગવાન જગન્નાથ ની કૃપા થી સૌ સ્વસ્થ રહે કોરોના મહામારી માંથી ગુજરાત ત્વરાએ મુક્ત થાય તેવી પ્રાર્થના કરી છે ઉમેર્યું હતું.
