ખરાબ ફોર્મના કારણે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહેલા પૃથ્વી શોએ કાઉન્ટી ક્રિકેટમાં બેવડી સદી ફટકારી છે. તેણે સમરસેટ સામે 153 બોલમાં 244 રનની શાનદાર ઈનિંગ રમી અને પોતાની ટીમનો સ્કોર 415 સુધી પહોંચાડ્યો. નોર્થમ્પટનશાયર તરફથી ઇનિંગની શરૂઆત કરનાર પૃથ્વી શૉ છેલ્લી ઓવરમાં લેમ્બના હાથે કેચ આઉટ થયો હતો. લગભગ આખી ઇનિંગ્સમાં બેટિંગ કરનાર શૉએ 28 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 129 બોલમાં તેની બેવડી સદી પૂરી કરી અને ફોર્મમાં પરત ફરવાના સંકેતો દર્શાવ્યા. આ ઇનિંગમાં તેનો સ્ટ્રાઇક રેટ 159.48 હતો.
🚨 PRITHVI SHAW HAS 200! 🚨#MBODC23 pic.twitter.com/GeVYVD3o6z
— Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023
શૉ સિવાય વ્હાઇટમેને 54 રન બનાવ્યા હતા. ટીમને 415 રન સુધી પહોંચાડવામાં રિકાર્ડોએ 47 અને એમિલોએ 30 રનનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં એક છેડે નોર્થમ્પટનશાયરની વિકેટો પડતી રહી અને શૉ બીજા છેડે બોલરોની ધોલાઇ કરતો રહ્યો. આ કારણે નોર્થમ્પટનશાયરની ટીમ આઠ વિકેટ ગુમાવીને 415 રનનો વિશાળ રનનો ખડકલો કરી દીધો .
જ્યારે પૃથ્વી શૉ ભારતીય ક્રિકેટના દ્રશ્ય પર ઉભરી આવ્યો, ત્યારે તેને ભાવિ સ્ટાર તરીકે ઓળખવામાં આવ્યો. અંડર-19 સ્તરે મોટી સફળતા બાદ, શૉએ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે સદી ફટકારીને તેની વરિષ્ઠ કારકિર્દીની પણ આશાસ્પદ શરૂઆત કરી. તેને ભારતીય ટીમમાં તકો મળવા લાગી અને તેણે પાંચ ટેસ્ટ, છ વનડે અને એક ટી20 મેચ રમી. જોકે, ઈજાઓ અને ખરાબ ફોર્મના કારણે તેને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તે મેદાનની બહાર વિવાદોમાં પણ ફસાઈ ગયો અને ભારત માટે તેની ક્રિકેટ કારકિર્દી ખતમ થઈ ગઈ. શૉ હવે સ્થાનિક ક્રિકેટ રમે છે અને પુનરાગમનની આશા સાથે આ સિઝન માટે ઇંગ્લિશ કાઉન્ટી નોર્થમ્પટનશાયરમાં જોડાયો છે.
