સમજાવટ/ બાળકોને પ્રોમિસ કરો તો નિભાવો

બાળકોને પ્રોમિસ કરો તો નિભાવો

Lifestyle

આઇ પ્રોમિસ જો તુ હોમવર્ક પુરુ કરીશ તો હું મારી પ્રોમિસ નિભાવીશ, ના તમે ખોટુ બોલો છો ? પહેલા પણ તમે કહ્યુ કે જો હું નાસ્તો પુરો કરીશ તો તમે ફરવા લઇ જશો અને પછી ફરવા પણ ના લઇ ગયા. શુ તમે પણ બાળકો સાથે આ પ્રકારની ખોટી પ્રોમિસ કરી રહ્યા છો..? તો તમારે વિચારવાની જરૃર છે. બાળકોને પ્રોમિસ આપતા પહેલા વિચારો અથવા જો પ્રોમિસ આપો તો તેને પુર્ણ કરો. સામાન્ય રીતે માતા-પિતા પોતાના બાળકોને પ્રોમિસ તો કરે છે. પરંતુ જ્યારે તેને નિભાવવાનો સમય આવે છે ત્યારે એ વાતને ગંભીરતા પુર્વક નથી લેતા. તેની બાળમાનસ પર વિપરીત અસર થાય છે.

બાળકોને આપેલી પ્રોમિસ પુર્ણ નથી થતી તો તેમના માનસ પર માતા-પિતા માટે અવિશ્વાસ જન્મ લે છે. તમે કહો કે તારા સારા માર્કસ આવશે તો તને વિદેશ ફરવા લઇ જઇશુ. બાળક મહેનત કરી સારા માર્કસ લાવે છતા તમે તેને ફરવા ના લઇ જાવ તો તેને લાગે કે તમે પહેલેથી જ ખોટુ બોલતા હતા. પછી તે તમારો વિશ્વાસ પણ નહીં કરે અને અભ્યાસમાં રસ પણ નહીં દાખવે. એવી જ રીતે જન્મદિવસે તને અમે તારી મનગમતી વસ્તુ ભેટમાં આપીશુ, કહી તેને આશા બંધાવો અને એન્ડ સમયે તેને મનપસંદ ભેટ નહીં આપો તો તે ક્યારેય તમારા પર વિશ્વાસ નહીં કરે. બની શકે તમારા અને બાળકના સબંધો પર આ વાતની ગંભીર અસર થાય અને આવનારા સમયમાં ક્યારેય તે તમારી કોઇ વાત ના માને. માતા-પિતાએ બાળક સાથે બેસી પોતાની સ્થિતી સમજાવી તેને સમજાવવાની જરૃર છે ખોટી પ્રોમિસ કરી તેની સાથે અવિશ્વાસ કરવાની જરૃર નથી.

બાળકોનું ઘડતર કરવાની જવાબદારી માતા-પિતાની છે. માટે તેમને બાળપણથી સત્ય બોલવાનું, પ્રોમિસ નિભાવવાની, વડીલોનું માન, પોતાનાથી નાના હોય તેમને પ્રેમ કરવો આ બધા મુલ્યો માતા-પિતાએ સમજાવવાના છે. તેવામાં જો તમે જ પ્રોમિસ તોડશો તો બાળકોમાં સારી અને સકારાત્મક્ત ઉર્જા કેવી રીતે આવશે. માટે એવી જ પ્રોમિસ કરો જે તમે પુર્ણ કરી શકો.

સાઇકોલોજિસ્ટ નિર્મલા રાય કહે છે, મોટાભાગે બાળકો જ્યારે જીદ કરે ત્યારે માતા-પિતા તેમને શાંત કરવા સમજ્યા વિચાર્યા વગર પ્રોમિસ કરે છે. પરંતુ માતા-પિતાએ સમજવાની જરૃર છે કે બાળકોને જે પ્રોમિસ કરી હોય તે નિભાવવાની જરૃર છે. કારણ કે આવી વાતોને બાળકો ગંભીરતાથી લે છે અને પછી ક્યારેય તે માતા-પિતાની વાત માનતા નથી અને તેમનામાં નકારાત્મક્તા ઘર કરી જાય છે.