Surat News/ કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ: 12 ભારતીય સહિત 13નાં મોત, સુરતનો યુવક 24 કલાકથી લાપતા, પરિવાર ચિંતામાં

કતાર (Qatar) ના રાસ લાફાન LNG ગેસ પ્લાન્ટમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 13 લોકોનાં મોત થયા છે. સુરતનો યુવક 24 કલાકથી લાપતા હોવાથી પરિવાર ચિંતામાં છે.

Top Stories Gujarat
spa

Surat News: કતાર (Qatar) ના સૌથી મોટા ગેસ પ્લાન્ટ રાસ લાફાન LNG પ્રોડક્શન અને એક્સપોર્ટ હબમાં રવિવારની સાંજે વિસ્ફોટ થયો હતો આ ભયાનક વિસ્ફોટે અનેક પરિવારોને શોકમાં ગરકાવ કરી દીધા છે. આ દુર્ઘટનામાં 12 ભારતીય સહિત કુલ 13 લોકોનાં મોત થયાના અહેવાલ સામે આવ્યા છે, જ્યારે 66થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ વચ્ચે ગુજરાત માટે ચિંતાજનક સમાચાર એ છે કે બ્લાસ્ટ સમયે ડ્યુટી પર રહેલો સુરતનો યુવાન સની ચંપકભાઈ પટેલ છેલ્લા 24 કલાકથી વધુ સમયથી લાપતા છે.

કતારના ઊર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈરાની મિસાઈલ હુમલાથી પ્રભાવિત ગેસ ફેસિલિટીમાં મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ કામ ફરી શરૂ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ટેકનિકલ ખામીના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

બ્લાસ્ટ સમયે નાઇટ ડ્યુટીમાં હતો સની પટેલઑ

સુરતનો વતની સની ચંપકભાઈ પટેલ કતારમાં સ્ટેક (Steq) કંપની હેઠળ મિકેનિકલ ફિટર તરીકે કામ કરતો હતો. બ્લાસ્ટ સમયે તે નાઇટ શિફ્ટમાં ફરજ પર હાજર હતો. ઘટનાના બાદથી તેનો પરિવાર સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. ફોન પણ બંધ આવી રહ્યો હોવાથી પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા છે.

પરિવારના જણાવ્યા અનુસાર, સની રોજ કામે જતા પહેલા અને ડ્યુટી પૂર્ણ થયા બાદ પોતાની પત્નીને ફોન કરતો હતો. દુર્ઘટના બનેલા દિવસે પણ તેણે પત્નીને ફોન કરીને કામ પર જવાની જાણ કરી હતી, પરંતુ ત્યારબાદ તેનો કોઈ સંપર્ક થયો નથી.

ભાઈ સતત શોધખોળમાં, હજુ સુધી કોઈ માહિતી નહીં

સનીનો મોટો ભાઈ રવિ પટેલ પણ કતારમાં જ અન્ય કંપનીમાં નોકરી કરે છે. ઘટનાની જાણ થતાં જ રવિ હોસ્પિટલ, ભારતીય દૂતાવાસ અને ઘટનાસ્થળની આસપાસ સતત શોધખોળ કરી રહ્યો છે. જોકે સુરક્ષા કારણોસર પ્લાન્ટ વિસ્તારમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવતી નથી, જેના કારણે સની વિશે કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી.

પરિવારની સરકારને મદદ માટે અપીલ

સનીના કાકા અનિલભાઈ ખાટાએ જણાવ્યું હતું કે, “કતારમાં રહેલા રવિના જણાવ્યા મુજબ અનેક લોકો ઘાયલ થયા છે અને હજુ પણ કેટલાક લોકો લાપતા છે. રવિ હોસ્પિટલ અને એમ્બેસીમાં સતત સંપર્ક કરી રહ્યો છે, છતાં સની વિશે કોઈ માહિતી મળી નથી. સરકાર અને સંબંધિત તંત્રને સનીને શોધવામાં મદદ કરે અને તેને સુરક્ષિત રીતે પરત લાવે તેવી તેમણે વિનંતી કરી છે.”

ગામમાં ચિંતાનો માહોલ

આ દુર્ઘટના બાદ સનીના પરિવારજનો તેમજ તેના વતનના ગામમાં ભારે ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. પરિવાર સતત કતારમાં ભારતીય દૂતાવાસ અને ભારતના વિદેશ મંત્રાલયનો સંપર્ક કરી રહ્યો છે. સનીના ઘરે સગા-સંબંધીઓ અને ગામલોકોની ભીડ ઉમટી રહી છે અને સૌ તેની સુરક્ષિત વાપસી માટે પ્રાર્થના કરી રહ્યા છે.

કતારમાં બનેલી આ દુર્ઘટનાએ માત્ર સનીના પરિવારને જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. હવે સૌની નજર સત્તાવાર બચાવ અને શોધખોળ કામગીરી પર ટકેલી છે અને સની અંગે કોઈ સારા સમાચાર મળે તેની રાહ જોવામાં આવી રહી છે.