નિધન/ મહેસાણાના મહંત બળદેવગીરીજી બાપુનું નિધન, PM મોદીએ પાઠવ્યો શોક સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જયરામગીરી બાપુને ફોન કરી આદરપૂર્વક શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ સાથે ભક્તોને ભગવાન વાળીનાથ શક્તિ આપે તેવી પ્રાર્થના પણ નરેન્દ્ર મોદીએ કરી હતી.

Top Stories Gujarat Others

વિસનગરના તરભ સ્થિત સમસ્ત રબારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડાના મહંત બળદેવગીરી બાપુનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલા સમયથી બીમાર હતા. તેમના નિધનથી અનુયાયી સહિત રબારી સમાજમાં ભારે દુઃખનું મોજું છવાયું છે. પીએમ મોદી, અમિત શાહ અને સીએમ વિજય રૂપાણીએ પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જયરામગીરી બાપુને ફોન કરી આદરપૂર્વક શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ સાથે ભક્તોને ભગવાન વાળીનાથ શક્તિ આપે તેવી પ્રાર્થના પણ નરેન્દ્ર મોદીએ કરી હતી. બળદેવગીરી બાપુના સમાચારની જાણ થતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે  પણ ટ્વીટ કરી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

અમિત શાહએ ટ્વીટ કરી કહ્યું કે, તરભવાળીનાથ ધામ,વિસનગરના મહંત તથા રબારી સમાજના ધર્મગુરૂ પૂજ્ય બળદેવગિરિજી મહારાજના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું.પ્રભુ તેમના પાવન આત્માને શાંતિ અર્પે તેમજ તેમના અનુયાયીઓ-ભક્તોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના. ઓમ શાંતિ.

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સમગ્ર રબારી સમાજના ધર્મગુરુ બળદેવગિરિ બાપુના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. રબારી સમાજના શ્રધ્ધા આસ્થા કેન્દ્ર તરભ વાળીનાથ ધામના ગાદીપતિ મહંત બળદેવગિરિ મહારાજ પ્રત્યે સમાજ સમગ્ર રબારી સમાજની આસ્થાનો ઉલ્લેખ કરતાં વિજય રૂપાણીએ રબારી સમાજના શોકમાં સહભાગી થવા સાથે સદગત બળદેવગિરિના આત્મા ની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે.

આપને જણાવી દઈએ કે, તરભમાં આવેલી રબારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડાની જગ્યામાં રૂ.25 કરોડના ખર્ચે ભવ્ય શિવમંદિર પૂર્ણતાના આરે છે. આ મંદિરનો સંકલ્પ મહંત બળદેવગીરી બાપુએ કર્યો હતો અને તેમની હયાતીમાં જ મંદિરમાં શિવ પંચાયતની પ્રતિષ્ઠા થાય તેવી અનુયાયીઓની લાગણી રહી હતી. તેઓનાં નિધનથી અનુયાયી સહિત રબારી સમાજમાં શોક છવાઇ ગયો છે.

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકામાં આવેલા તરભ ગામ ખાતે આવેલ વાળીનાથ અખાડાને સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી ગણવામાં આવે છે. અહીં ગુરૂગાદીના મહંત બલદેવગિરી બાપુની છેલ્લા કેટલાક સમયથી તબીયત ખરાબ હતી, જેને પગલે તેમને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેમની તબીયત વધારે લથડતા આખરે તેમને તરભ ખાતે લાવવામાં આવ્યા હતા.

સમસ્ત રબારી સમાજ માટે આ પાવન સ્થળ માનવામાં આવે છે. તરભ વાળીનાથ અખાડા ધામમાં મહંત બળદેવગિરી બાપુના દર્શને બેસતા વર્ષે અને ગુરૂ પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો અને અન્ય શ્રદ્ધાળુઓ આવતા હતા. વિસનગર તાલુકાના તરભ ગામમાં શ્રી વાળીનાથ અખાડા ખાતે 900 વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર આવેલ છે. પ્રથમ મહંત વિરમગીરી મહારાજે આ જગ્યાના આ પાવનભુમિમાં રબારી સમાજોની ગુરૂગાદીની સ્થાપના કરી હતી અને રબારી સમાજના લોકો ગુરૂગાદી અને તેના આચાર્યને ભગવાનની જેમ પૂજે છે.

બાપુની દૂરંદેશીની વાત કરીએ તો, વર્ષ 1956માં બળદેવગીરી સૂરજગીરી બાપુ કેળવણી ટ્રસ્ટની રચના કરી શિક્ષણનો પાયો નાંખ્યો હતો. માલ-ઢોર સાથે વિચરણ કરતો રબારી સમાજ તે સમયે શિક્ષણક્ષેત્રે ખૂબ જ પછાત હતો. શિક્ષણના પ્રખર હિમાયતી રહેલાં બળદેવગીરી બાપુએ વર્ષો અગાઉ તરભ ગામે ચરણગીરીજી વિદ્યાલય બનાવડાવ્યું. રબારી સમાજના 40 વિદ્યાર્થીઓને સંસ્થામાં રાખી છાત્રાલય શરૂ કર્યું. 30 વર્ષ પહેલાં કન્યા કેળવણીનો વ્યાપ વધે તે હેતુથી શ્રી વાળીનાથ મહંત શ્રી બળદેવગીરી મહારાજ ગોપાલક કન્યા કેળવણી મંડળની સ્થાપના કરી. આજે પણ બાપુ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા કાર્યરત છે.

જુઓ આ સમગ્ર વિડીયો અહેવાલ…મહેસાણાના મહંત બળદેવગીરીજી બાપુનું નિધન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…