New Delhi News: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને વિપક્ષ અને ચૂંટણી પંચ વચ્ચેનો રાજકીય ટકરાવ વધુ ઉગ્ર (Rahul Gandhi Jantar Mantar) બન્યો છે. એક દિવસ પહેલાં ચૂંટણી પંચની કચેરી તરફના માર્ચ બાદ હવે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદો આજે જંતર-મંતર ખાતે ધરણા-પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. 6 ઓક્ટોબરના વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા.
Rahul Gandhi Jantar Mantar: ખડગેના લંચ બાદ જંતર-મંતર માટે રવાના
જંતર-મંતર જતા પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઇન્ડિયા બ્લોકના સાંસદો માટે જનપથ સ્થિત સાગર રત્ના રેસ્ટોરન્ટમાં લંચનું આયોજન કર્યું હતું. લંચ બાદ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના વિપક્ષી સાંસદો બસમાં બેસીને જંતર-મંતર માટે રવાના થયા હતા.
चलो जंतर-मंतर ✊ https://t.co/nu99Yo63S0
— Congress (@INCIndia) October 7, 2026
આજના પ્રદર્શનનો મુખ્ય મુદ્દો જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ અને મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા અંગે વિપક્ષની ફરિયાદો છે.
રાહુલ ગાંધીનું નિવેદન- ‘જ્ઞાનેશ કુમારે રાજીનામું આપવું પડશે’
જંતર-મંતર (Jantar Mantar Protest) જતા પહેલાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અગાઉ વિપક્ષી સાંસદો ચૂંટણી કમિશનરોને મળવા માંગતા હતા, પરંતુ તેમને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ હવે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીએ જ્ઞાનેશ કુમારના (CEC Gyanesh Kumar) રાજીનામાની માગ કરતાં કહ્યું કે તેઓ આ મુદ્દે વિરોધ ચાલુ રાખશે. તેમણે પોતાના વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરનો ઉલ્લેખ કરીને પણ સરકાર અને પોલીસ સામે આક્રમક વલણ વ્યક્ત કર્યું હતું.
એક દિવસ પહેલાં ચૂંટણી પંચ તરફ માર્ચ
6 ઓક્ટોબરે ઇન્ડિયા બ્લોકના (INDIA Bloc Protest) વિપક્ષી સાંસદોએ સંસદથી ચૂંટણી પંચના મુખ્યાલય તરફ માર્ચ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેમને આગળ વધતા રોક્યા બાદ અનેક નેતાઓને અટકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કેટલાક નેતાઓ આકાશવાણી ભવન પરિસરમાં ધરણા પર બેઠા હતા.
પોલીસે બાદમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય નેતાઓને અટકાવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામે આકાશવાણી ભવન પરિસરમાં કથિત રીતે પરવાનગી વિના પ્રવેશ કરવાના આરોપમાં એફઆઈઆર પણ નોંધાઈ છે.
હવે જંતર-મંતર પર શક્તિપ્રદર્શન
ચૂંટણી પંચ વિરુદ્ધનો વિરોધ હવે જંતર-મંતર સુધી પહોંચ્યો છે. વિપક્ષી સાંસદોનું કહેવું છે કે મતદાર યાદીમાં સુધારણાની પ્રક્રિયા અને ચૂંટણી પંચની કામગીરી અંગે તેમની ગંભીર વાંધાઓ છે. બીજી તરફ, ચૂંટણી પંચે વિપક્ષના આક્ષેપોને નકારી કાઢ્યા છે અને ભાજપે પણ કોંગ્રેસના વિરોધની ટીકા કરી છે.
આજે જંતર-મંતર ખાતે થનારા ધરણા બાદ વિપક્ષ અને ચૂંટણી પંચ વચ્ચેનો આ રાજકીય વિવાદ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: જ્ઞાનેશ કુમાર સામે રાહુલ કેમ આક્રમક? રાજીનામું થાય કે ન થાય, બંનેમાં રાજકીય ખેલ!
આ પણ વાંચો: આકાશવાણી ખાતેથી વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય સાંસદોની અટકાયત
