Ahmedabad News : રાહુલ ગાંધી રાજકોટ ગેમ ઝોન આગ, વડોદરામાં બોટ પલટી જવાની ઘટના અને મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટના સહિત ગુજરાતમાં વિવિધ દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને પણ મળ્યા હતા.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં થયેલી દુર્ઘટનાઓના પીડિત પરિવાર સાથે વાતચીત કરવા આવ્યા હતા. બપોરે 12.30 વાગ્યે આવ્યા બાદ તેમણે કાર્યકરોને સંબોધન કર્યું હતું. ત્યાર બાદ તેમણે પીડિત પરિવાર સાથે વાત કરી હતી. આ વાતચીતમાં તેમણે રાજકોટ અગ્નિકાંડના પીડિતોને કહ્યું હતું કે હું આ મુદ્દો સંસદ સુધી ઉઠાવીશ. પીડિત પરિવારો સાથે વાતચીત કર્યા બાદ તેઓ 3 વાગ્યા આસપાસ દિલ્હી જવા રવાના થઈ ગયા હતા.
રાહુલ ગાંધી સાથે વાતચીત કર્યા બાદ રાજકોટ અગ્નિકાંડના મૃતક આશાબેન કાથડના બહેન સંતોક કાથડે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જે જે અમારી માગણીઓ અને મુદ્દા છે એ તેમને કહ્યા તો તેમણે કહ્યું કે તમને મારાથી શું અપેક્ષા છે? તો અમે કહ્યું કે અમને લાગે છે કે તમે અમને ન્યાય અપાવશો. તેમણે દિલથી કહ્યું કે જ્યાં સુધી તમને ન્યાય ન મળે ત્યાં સુધી અમે જે પણ આંદોલન કરવાના થશે એમા અમે તમારી સાથે રહીશું અને સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવીશું. અમે તેમને કહ્યું કે અમે જે લોકો ગુમાવ્યા એમા સરકારે 4 લાખ રૂપિયા લોકોની કિંમત લગાવી છે. અમે એક કરોડની માગણી કરી છે.
હરણી બોટકાંડના પીડિત એવા સરલા શિંદેએ જણાવ્યું કે, વડોદરામાં મારી દીકરી સન રાઈઝ સ્કૂલમાંથી પ્રવાસે ગઈ હતી ત્યારે કોર્પોરેશન અને સ્કૂલની બેદરકારીને કારણે દીકરી ગુમાવી છે.
સ્કૂલવાળા અને કોર્પોરેશન સામે પગલા લો. અમે બધા છોકરાઓને જોઇને જીવ બાળીએ છીએ. અમે આવી સ્કૂલમાં અમારા છોકરાઓને મૂકીને પસ્તાઈએ છીએ, અમે 6 મહિનાથી કહી કહીને થાકી ગયા કે ન્યાય અપાયો…ન્યાય અપાવો…એટલે અમે રાહુલ ગાંધીને એટલી જ રિકવેસ્ટ કરી છે કે, તમે પાર્લામેન્ટમાં અમારો મુદ્દો ઉઠાવો. અને બધા ઉંઘેલાઓને જગાડો. અમે ન્યાયની આશા રાખીએ છીએ તો એ પૂરી કરો. અમારા મુદ્દા ઉપર જાય અને બધાને ન્યાય મળે એટલી જ રજૂઆત કરવા રાહુલ ગાંધીને મળ્યા હતા.જ્યારે રાહુલ ગાંધી સાથે વાત કરનાર હરણી બોટકાંડમાં દીકરો ગુમાવનારા સંધ્યા નીઝામાએ જણાવ્યું હતું કે, આજે રાહુલ ગાંધીને મળી હતી ત્યારે કહ્યું કે હરણી બોટ કાંડમાં અમારો દીકરો ગુમાવ્યો છે.આ અંગે તટસ્થ તપાસ કરવામાં આવે ત્યારે રાહુલ ગાંધીએ અમને જવાબ આપ્યો કે તેઓ આ મુદ્દો સંસદમાં ઉઠાવશે.
રાહુલ ગાંધી સાથે વાત કરનાર હરણી બોટકાંડના પીડિત મોહમ્મદ માહિરે જણાવ્યું હતું કે, મારો સાત વર્ષનો દીકરો હરણી બોટ કાંડમાં ગુજરી ગયો છે.મેં રાહુલ ગાંધી સાથે આ અંગે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે 14 બાળકોની જગ્યામાં 30 બાળકોને બેસાડવામાં આવ્યા હતા. કોર્પોરેશન અને લેક ઝોનની પણ ભૂલ હતી અને રાતોરાત આ પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો હતો.ત્યારે રાહુલ ગાંધીએ અમને જવાબ આપ્યો કે આ મુદ્દો તેઓ સંસદમાં લઈ જશે અને અમને જ્યારે પણ મદદની જરૂર પડશે ત્યારે તેઓ મદદ કરશે.
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં 20 વર્ષનો કલ્પેશ બગડા નામનો દીકરો ગુમાવનાર માતા ભારતીબેને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે અગ્નિકાંડના એક મહિનો 10 દિવસ પૂર્ણ થયા છે. હજુ સુધી અમને ન્યાય મળ્યો નથી. અમારા ગરીબ માણસોનાં આંસુ હજુ સુધી કોઇએ લૂછ્યાં નથી. અમને કોઈ પૂછવા પણ આવ્યું નથી. અમને જે કાર્યવાહી થઈ રહી છે એનાથી સંતોષ પણ નથી, જેથી અમે આજે રાહુલ ગાંધીને મળવા માટે આવ્યા છીએ. અમે રાહુલ ગાંધી પાસે પણ ન્યાયની જ માગણી કરવાના છીએ. અમને બસ અમારા દીકરા માટે ન્યાય જોઈએ. અમે ગરીબ માણસો છીએ. અમને ખબર હોય કે કોણ દોષિત છે તો તો અમે જ ના પકડી લઈએ.
રાજકોટ અગ્નિકાંડના મૃતક સુરપાલસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને રજૂઆત કરીશું કે અમને ન્યાય અપાવડાવે. આ ભાજપવાળા તો ન્યાય અપાવવાના જ નથી. સુભાષ ત્રિવેદી તો બધેય હતા, મોરબી હતા, સુરત હતા અને રાજકોટ પણ મૂક્યા છે. તેમણે કઈ જગ્યાએ ન્યાય અપાવ્યો? એક જગ્યાએ ન્યાય અપાવ્યો હોય તો બતાવે કે અહીં ન્યાય અપાવ્યો છે, તેમના પર અમને ભરોસો જ નથી. એક જણાને જ પકડીને બેઠા છે. બધાને દબાવવા જ માગે છે. તેની મિલકતની જ તપાસ કરે છે, રૂપિયા ખાયને બધું સંકેલી લેવાના છે. 20 વર્ષના દીકરા ખોયા હોય તેને અપેક્ષા તો હોય ને કે આને ફાંસી દે તોપણ ઓછી લાગે છે. અમને કોઈ ભાજપવાળો મળવા આવ્યો જ નથી. એક ભાજપનો નેતા મળવા ક્યાંય આવ્યો નથી.
વડોદરા હરણી બોટકાંડના પીડિત પરિવાર પણ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે. જેમાં અનિશ ગાંધીએ જણાવ્યું હતું કે હરણી તળાવમાં બોટમાં મારા બાર વર્ષના દીકરા મોહમ્મદ અયાનને લઈ જવામાં આવ્યો ત્યારે બોટ ડૂબી હતી. એમાં મારા દીકરાનું મોત થયું છે. ચાર વાગ્યે બનાવ બન્યો હતો, પરંતુ અમને સાંજે છ વાગે અકસ્માત થયો છે એ રીતે જાણ કરવામાં આવી હતી. જ્યારે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે મારા દીકરાનો મૃતદેહ પડ્યો હતો. હું આજે રાહુલ ગાંધી પાસે મારા દીકરા માટે ન્યાયની માગણી કરવાનો છું. સંસદમાં હરણી બોટકાંડનો મુદ્દો ઉઠાવે અને આ મુદ્દે ન્યાયની માગ કરે એવી મારી રજૂઆત રહેશે. મારી માગ છે કે કોર્પોરેશન અને સ્કૂલના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે પોલીસે જે કાર્યવાહી કરી છે એમાં અનેક આરોપીઓને જામીન પણ આપી દેવામાં આવ્યા છે, જેથી કાર્યવાહીથી મને સંતોષ નથી.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે હાથરસ અકસ્માતના પીડિતોને મળ્યા હતા. પરિવારના સભ્યો તેમને ગળે લગાડીને રડી પડ્યા હતા. અકસ્માતમાં માતા ગુમાવનાર બાળકી રડી રહી હતી, તો રાહુલે તેcને સંભાળીને ગળે લગાવ્યા હતા અને કહ્યું- જરા પણ ટેન્શન ના લો, અમે તમારી સાથે છીએ. તમે બધા મારા પરિવાર છો. અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું. આ દરમિયાન રાહુલ જમીન પર બેસીને પીડિતોના પરિવાર સાથે વાત કરતા જોવા મળ્યા હતા. રાહુલે કહ્યું- પીડિત પરિવારો દુઃખમાં છે. આઘાત લાગ્યો છે. પીડિતોએ સ્પષ્ટ કહ્યું હતું કે વહીવટીતંત્રની બેદરકારીને કારણે આ અકસ્માત થયો છે.
રાહુલ શુક્રવારે સવારે 5.40 વાગ્યે દિલ્હીથી નીકળ્યા હતા. રોડ માર્ગે સવારે 7 વાગે અલીગઢના પીલખાના ગામ પહોંચ્યા. આ અકસ્માતમાં મંજુ દેવી અને તેના પુત્રનું મોત થયું હતું. રાહુલે તેના પરિવાર પાસેથી અકસ્માતની માહિતી લીધી હતી. મંજુ દેવીની પુત્રીએ કહ્યું, ‘રાહુલ સર કહે છે કે પાર્ટીના લોકો તમને મદદ કરશે. રાહુલ અલીગઢમાં 1 કલાક રોકાયા હતા. અહીં 3 પીડિત પરિવારોને મળ્યા. આ પછી સવારે 9 વાગે હાથરસ પહોંચ્યા. અહીંના ગ્રીન પાર્કમાં હાથરસ અકસ્માતના 4 પીડિત પરિવારોને મળ્યા. રાહુલ હાથરસમાં દોઢ કલાક રોકાયા હતા.
અલીગઢમાં મંજુ દેવીની દીકરી મીનાએ રડીને કહ્યું- મેડિકલ બેદરકારી થઈ છે. અમને જે રીતે મદદ થવી જોઈતી હતી તે રીતે અમને મદદ કરવામાં આવી નથી. રાહુલ સાહેબે કહ્યું કે પાર્ટીના લોકો તમને મદદ કરશે. જરાય ચિંતા કરશો નહીં, અમે ત્યાં છીએ. તેણે કહ્યું કે હવે તે અમારા પરિવારનો સભ્ય છે.શાંતિ કુમારીએ કહ્યું- મારી ભાભી મંજુ અને ભત્રીજા પંકજનું અવસાન થયું છે. આપણી દુનિયા ઉજ્જડ બની ગઈ. અમે રાહુલજી પાસે ન્યાયની માંગણી કરી છે. મેં તેને કહ્યું કે સાહેબ, ગમે તે થાય, ગુનેગારોને સજામાંથી મુક્ત ન થવું જોઈએ. રાહુલજી અમને પૂરી મદદ કરશે. આ માત્ર ખાતરી નથી.
હાથરસ દુર્ઘટનાના પીડિતોને મળ્યા બાદ રાહુલે કહ્યું- આ દુઃખની વાત છે. અનેક પરિવારોને નુકસાન થયું છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. વહીવટનો અભાવ છે અને ભૂલો થઈ છે. વળતર યોગ્ય હોવું જોઈએ. હું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને ઉદારતાથી વળતર આપવા વિનંતી કરું છું. શક્ય તેટલું જલ્દી વળતર આપવું જોઈએ. મેં પરિવારના સભ્યો સાથે વાત કરી છે.
આ પણ વાંચો: રથયાત્રા નિમિત્તે AMTS, BRTS નહીં દોડે, કાલુપુરના કેટલાક રૂટ કરાયા બંધ
આ પણ વાંચો:Gujarat Rain Live 6 July: ગુજરાતમાં આજે કેટલો છે વરસાદ…
આ પણ વાંચો:અમરેલીમાં શું પિતાની જેમ પુત્રી પણ રાજકારણનો સ્વાદ ચાખી શકશે…