કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર કૃષિ કાયદા અંગે ટ્વીટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદી અંગે પંજાબનાં ખેડૂતોમાં ઘણો ગુસ્સો છે, આવી સ્થિતિમાં વડા પ્રધાને તેમની વચ્ચે જવું જોઈએ અને તેમની વાત સાંભળવી જોઈએ.
આપને જણાવી દઇએ કે, રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં એક અખબારનાં સમાચાર શેર કર્યા છે, જેમાં જણાવાયું છે કે રવિવારે પંજાબનાં ખેડૂતોએ દશેરા પર પીએમ મોદી અને ઉદ્યોગપતિઓનાં પુતળા દહન કર્યા હતા. મહત્વની વાત એ છે કે કેન્દ્ર સરકાર તાજેતરમાં જ ખેડૂતોને લગતા ત્રણ કાયદા લઈને આવી છે, જેના વિશે પંજાબમાં ઘણો વિરોધ થઈ રહ્યો છે. પીએમ મોદીનાં પુતળા સળગાવવાનાં સમાચાર શેર કરતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, ‘ગઈકાલે આ સમગ્ર પંજાબમાં બન્યું હતું. તે ખૂબ દુખદ છે કે પંજાબનાં લોકોમાં વડા પ્રધાન પ્રત્યે આક્રોશ છે. આ એક ખૂબ જ જોખમી ઉદાહરણ છે અને તે આપણા દેશ માટે બહુ જ ખરાબ છે. પીએમ મોદીએ તેમની વચ્ચે જવું જોઈએ, તેમની વાત સાંભળવી જોઈએ અને તેમની સમસ્યાઓનું નિદાન કરવું જોઈએ.’
This happened all over Punjab yesterday. It’s sad that Punjab is feeling such anger towards PM.
This is a very dangerous precedent and is bad for our country.
PM should reach out, listen and give a healing touch quickly. pic.twitter.com/XvH6f7Vtht
— Rahul Gandhi (@RahulGandhi) October 26, 2020
આપને જણાવી દઈએ કે, કેન્દ્રનાં કૃષિ કાયદાને લઈને ખેડૂતો ઘણા સમયથી પંજાબમાં વિરોધ કરી રહ્યા છે. કૃષિ કાયદા અંગે ખેડૂતો કેટલા ગુસ્સે છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે શિરોમણી અકાલી દળ પણ એનડીએ છોડીને અલગ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારમાં મંત્રી હરસિમરત કૌર બાદલે તાજેતરમાં એમ કહીને કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું કે સરકારે તેમના પક્ષ તરફથી કૃષિ કાયદા અંગે કોઈ અભિપ્રાય નથી લીધો. વળી તાજેતરમાં પંજાબ વિધાનસભામાં પણ કેન્દ્રનાં કૃષિ કાયદા વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. દરખાસ્ત રજૂ કરતી વખતે પંજાબનાં સીએમ કેપ્ટન અમરિંદરસિંહે કહ્યું હતું કે, ખેડૂતોનાં હિતો સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.
