દિલ્હીના નાંગલ ગામમાં બળાત્કાર અને હત્યા કરાયેલી 9 વર્ષની માસૂમ બાળકીના પરિવારની તસવીર ટ્વિટર પર શેર કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એક તરફ ભાજપે રાહુલ ગાંધી પર હુમલો કરતા કહ્યું છે કે તેમણે સગીર છોકરીના પરિવારના સભ્યોની તસવીર શેર કરીને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. તેનાથી પીડિતાની ઓળખ છતી થઈ ગઈ છે, જે પોક્સો એક્ટ મુજબ ખોટી છે. હવે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે ટ્વિટરને આ મુદ્દે નોટિસ આપી છે. પંચે ટ્વિટરને નોટિસ આપીને રાહુલ ગાંધીએ શેર કરેલી તસવીર ડિલીટ કરી નાખવા કહ્યું છે.
આ અંગે પંચ દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું છે. કમિશને લખ્યું, ‘તેના પરિવારની તસવીર ટ્વીટ કરીને બાળકીની ઓળખ જાહેર કરવી એ પોક્સો એક્ટનું ઉલ્લંઘન છે. આની નોંધ લેતા, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ટ્વિટર ઇન્ડિયાને આ પોસ્ટને દૂર કરવા નોટિસ જારી કરી છે. રાહુલ ગાંધી બુધવારે સવારે બાળકીના પરિવાર પાસે પહોંચ્યા હતા. તે પોતાની કારમાં છોકરીની માતા અને પિતાને મળ્યા હતા અને ટ્વિટર પર તેમની તસવીર શેર કરી હતી. પરિવારના સભ્યોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ પરિવારને ન્યાય અપાવવાની પ્રતિજ્ઞા લે છે અને તેનાથી એક ઇંચ પણ પાછળ નહીં હટે.
ટ્વિટર ઈન્ડિયાના નિવાસી ફરિયાદ અધિકારીને જારી કરવામાં આવેલી નોટિસમાં પંચે લખ્યું છે કે, રાહુલ ગાંધીએ શેર કરેલી તસવીર દ્વારા બાળકીની ઓળખ જાહેર થઈ હોવાની ફરિયાદ પર તેમણે આ કાર્યવાહી કરી છે. પંચે ટ્વિટરને યાદ અપાવ્યું કે પોક્સો એક્ટ, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ મીડિયા અથવા સોશિયલ મીડિયા દ્વારા સગીર પીડિતાની ઓળખ જાહેર કરવી ગેરકાયદેસર છે. રાહુલ ગાંધી ઉપરાંત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ બાળકીના પરિવારના સભ્યોને મળ્યા હતા. બાળકીના પરિવારના સભ્યોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ લખ્યું, ‘માતા -પિતાના આંસુ માત્ર એક જ વાત કહી રહ્યા છે તેમની પુત્રી, દેશની પુત્રી ન્યાયને પાત્ર છે. અને હું ન્યાયના આ માર્ગ પર તેમની સાથે છું. ‘
