Gandhinagar News: નવરાત્રિના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વરસાદ હજી વણજોઈતા અતિથિની જેમ જવાનું નામ જ લઈ રહ્યો નથી. હજી પણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. આના પગલે દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે. ગરબે ઝૂમવાની તૈયારી કરી રહેલા કરી રહેલા દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓ ગરબે ઘૂમવા જાતજાતના વસ્ત્રોની પસંદગી કરી રહ્યા છે, ડાન્સની પ્રેક્ટિસ કરી રહ્યા છે ત્યાં વરસાદના વર્તારાથી તેમના મોતીયા મરી ગયા છે.

હવામાન વિભાગે બુધવારે કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના છ જિલ્લા વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટોછવાયો વરસાદ પડશે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ પ્રકારના વરસાદની સંભાવનાએ ખેલૈયાઓની સાથે ગરબા આયોજકોના જીવ પણ તાળવે ચોંટાડયા છે. તેમને લાખોના રોકાણ પર પાણી ફરે વળે તેવો ડર લાગી રહ્યો છે. ગરબાના ગ્રાઉન્ડથી લઈને કરવામાં આવેલી સાજસજાવટને નુકસાન થાય તેવી સંભાવના છે. હવે જો વરસાદી માહોલ જળવાય તો ગરબાના રંગમાં ભંગ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે.

આ અંગે હવામાન વિશે માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે 17 સપ્ટેમબર 2025ના રોજ અમદાવાદના આકાશમાં 86 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. જ્યારે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતાઓ નહિંવત છે. આ ઉપરાંત અમદાવાદમાં પવનની ગતિ 19 કિલોમીટર પ્રતિ કલાકની રહે તેવી શક્યતા છે. તેથી અમદાવાદમાં ખેલૈયાઓને કોઈ વાંધો આવે તેમ નથી.
આ પણ વાંચો: નવરાત્રિ ગાઈડલાઈન : પોલીસ તથા અન્ય વિભાગનું NOC ફરજિયાત, ખેલૈયાઓની સંખ્યાનો રેકોર્ડ રાખવો પડશે
આ પણ વાંચો: GST UPDATE NEWS/નવરાત્રિની મોટી ભેટ, પહેલા દિવસથી 375 વસ્તુઓનો GST ઘટાડવામાં આવશે, નિર્મલા સીતારમણે કંપનીને આપી કડક સૂચનાઓ
આ પણ વાંચો: Gujarat News/નવરાત્રિમાં વરસાદી ખલેલથી ખેલૈયા ચિંતિત, જળાશયોના સ્તર છલોછલ, ખેડૂતોમાં ખુશી
