Rajkot News:રાજકોટના એક એગ્રો પ્રોડક્ટ્સ વેપારીને સોશિયલ મીડિયા દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં હાઇ રિટર્નની લાલચ આપીને મોટી રકમની છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવ્યો છે. વેપારી ભાવેશ આટકોટિયાને અજાણ્યા છેતરપિંડીખોરોએ ફેસબુકના માધ્યમથી સંપર્ક કરી ક્રિપ્ટોકરન્સીમાં (Cryptocurrency) રોકાણ કરવાની લાલચ આપી કુલ રૂ. 40.78 લાખની રકમ પડાવી લીધી છે. આ ઘટનાથી વેપારીને સોશિયલ મીડિયાનો કડવો અનુભવ થયો છે અને તેમણે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગઠીયાએ ક્રિપ્ટો કરન્સીમાં (Cryptocurrency) રોકાણના નામે પડાવ્યા પૈસા

ફરિયાદ મુજબ, છેતરપિંડીખોરોએ ફેસબુક પર વેપારીનો સંપર્ક કરી ક્રિપ્ટોકરન્સીમાં (Cryptocurrency) રોકાણ કરવા પર ઊંચા વળતરનું આકર્ષક વચન આપ્યું હતું. શરૂઆતમાં નાની રકમના રોકાણ પર નફો બતાવી વિશ્વાસ જમાવ્યો અને પછી વધુ રોકાણ કરાવ્યું. વેપારીએ વિશ્વાસમાં આવીને અલગ-અલગ વખતે કુલ રૂ. 40.78 લાખની રકમ વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી.

જ્યારે વેપારીએ પોતાના રોકાણનું વળતર અથવા મૂડી પરત માંગી ત્યારે છેતરપિંડીખોરોએ સંપર્ક તોડી નાખ્યો અને રકમ ગુમાવી દીધી.આ પ્રકારની ઓનલાઇન છેતરપિંડી ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહી છે. તાજેતરમાં જ રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) સંબંધિત અનેક કેસ સામે આવ્યા છે, જેમાં લાખો-કરોડોની રકમની ઠગાઈ થઈ છે.
આ પહેલા ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) એ એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. ભાવનગરથી કાર્યરત આ રેકેટે મ્યુલ બેંક એકાઉન્ટ્સ, એક આંગડિયા કંપની અને એક ક્રિપ્ટોકરન્સી વોલેટ દ્વારા ₹719 કરોડનો વ્યવહાર કર્યો હતો. આ કેસમાં ભાવનગરની એક ખાનગી બેંકના બે કર્મચારીઓ સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.આપને જણાવી દઈએ આ કૌભાંડ દુબઈ અને ચીન સ્થિત કુખ્યાત સાયબર સિન્ડિકેટ સાથે જોડાયેલું હતું.
આ ગેંગ 26 રાજ્યો અને પાંચ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય હતી. ભાવનગરમાં ઇન્ડસઇન્ડ બેંક શાખામાં 110 નકલી ખાતા ખોલવામાં આવ્યા હતા. સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા લોકોના પૈસા આ મ્યુલ ખાતાઓમાં જમા કરવામાં આવ્યા હતા. આ પૈસા રોકડમાં ઉપાડવામાં આવ્યા હતા, આંગડિયાઓ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને અંતે USDT ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા. આ ડિજિટલ સંપત્તિઓ પછી દુબઈ અને ચીન સ્થિત ‘CIDCAT’ સાયબર ક્રાઇમ સિન્ડિકેટના સંચાલકોને મોકલવામાં આવી હતી.
આ પણ વાંચો:દેશનો સૌથી મોટો સાયબર ફ્રોડ ઝડપાયો! ભાવનગરથી ચાલતું હતું ₹719 કરોડનું રેકેટ
આ પણ વાંચો:ભાવનગરમાં 1 કરોડથી વધુના સાયબર ફ્રોડ કેસનો આરોપી ઝડપાયો
