Rajkot News: રાજકોટ મહાનગરપાલિકા (RMC) હાલ નાણાકીય તકલીફોનો સામનો કરી રહી છે. વિકાસના કામો અને વહીવટી ખર્ચને પહોંચી વળવા માટે મનપાની ખાલી થયેલી તિજોરીમાં ફરી નાણાંનો પ્રવાહ લાવવા માટે તંત્રએ કમર કસી છે. આ આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે મનપા દ્વારા શહેરના અતિ કિંમતી એવા 7 પ્રાઈમ પ્લોટની ઇ-હરાજી કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ મનપાની સ્થિતિ સુધારવા લેવાયા બે મહત્વના નિર્ણય
રાજકોટ મનપાની આર્થિક સ્થિતિને સુધારવા માટે તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બે મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા હતા. પ્રથમ, શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 7 પ્લોટ વેચીને આશરે 360 કરોડ રૂપિયા એકત્ર કરવા અને બીજું, જો જરૂર પડે તો 200 કરોડ રૂપિયા સુધીની લોન લેવા માટે મ્યુનિસિપલ કમિશનરને સત્તાવાર રીતે અધિકૃત કરવામાં આવ્યા છે. આ પગલાંને મનપાની નાણાકીય સ્થિતિ સુધારવા માટેના ‘ઓક્સિજન’ તરીકે જોવામાં આવી રહ્યા છે.

હોટ પ્રોપર્ટીઝ
રાજકોટ મનપામાં શનિવાર અને સોમવાર એમ બે દિવસ ચાલનારી આ ઇ-હરાજીમાં કુલ 7 પ્લોટ મૂકવામાં આવ્યા છે. જેમાં અમીન માર્ગ અને 150 ફૂટ રિંગ રોડ જેવા પોશ વિસ્તારોના પ્લોટ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સૌથી મોંઘા પ્લોટ: અમીન માર્ગ કોર્નર અને 150 ફૂટ રિંગ રોડ પાસેના પ્લોટની અપસેટ કિંમત પ્રતિ ચોરસ મીટર રૂ. 2 લાખ રાખવામાં આવી છે. આ વિસ્તારોમાં કોમર્શિયલ ડેવલપમેન્ટની તકો વધુ હોવાથી બિલ્ડરો અને રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સૌથી સસ્તા પ્લોટમાં જોઈએ તો રેલનગર વિસ્તારમાં આવેલા સાધુ વાસવાણી કુંજ રોડ પરના પ્લોટની કિંમત સૌથી ઓછી એટલે કે પ્રતિ ચોરસ મીટર રૂ. 45,000 નક્કી કરવામાં આવી છે. કુલ અંદાજ મુજબ તમામ પ્લોટની પાયાની કિંમત (અપસેટ પ્રાઈઝ) મુજબ કુલ આંકડો રૂ. 338 કરોડ જેવો થાય છે, પરંતુ જે પ્રકારે હરાજીમાં સ્પર્ધા થવાની શક્યતા છે, તે જોતા તંત્રને આ આવક રૂ. 500 કરોડ સુધી પહોંચવાની આશા છે.
પ્રક્રિયા અને અપેક્ષાઓ
શનિવારે સવારે 11 વાગ્યાથી પ્રથમ તબક્કામાં ચાર પ્લોટ માટેની ઇ-હરાજીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં અનેક મોટા ગજાના રોકાણકારોએ આમાં રસ દાખવ્યો છે. મનપાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હરાજીમાંથી મળનારી રકમનો ઉપયોગ શહેરના અટકેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા અને પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી અને ડ્રેનેજના કામોમાં કરવામાં આવશે.
