Rajkot News: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિરનગર ખાતે આવેલી પ્રખ્યાત શિવાનંદ મિશન આંખ હોસ્પિટલ (Eye Hospital)માં વર્ષ 2024માં યોજાયેલા એક નિદાન કેમ્પ દરમિયાન થયેલી ગંભીર બેદરકારીને કારણે અનેક દર્દીઓએ કાયમી રીતે દૃષ્ટિ ગુમાવી દીધી હોવાનો આક્ષેપ થયો છે. આ ઘટનાને ‘ચકચારી અંધાપાકાંડ’ તરીકે ઓળખવામાં આવી રહી છે, જેમાં મોતિયાની શસ્ત્રક્રિયા (કેટરેક્ટ સર્જરી) બાદ દર્દીઓને ગંભીર ઇન્ફેક્શન કે અન્ય જટિલતાઓનો સામનો કરવો પડ્યો હતો.

શિવાનંદ મિશન આંખ હોસ્પિટલ (Eye Hospital)ની ગંભીર બેદરકારી
આ મામલે પીડિતોને સ્થાનિક સ્તરે ન્યાય ન મળતા, તેઓએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. વકીલ પ્રશાંત ચાવડાની તરફથી રજૂ કરાયેલી ધારદાર દલીલો બાદ હાઈકોર્ટે આ મુદ્દાની ગંભીરતા નોંધી અને મહત્વનો આદેશ જારી કર્યો છે.

રાજકોટ રૂરલ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ (SP)ને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને વિગતવાર તપાસ કરવા માટે 8 અઠવાડિયાની મુદત આપવામાં આવી છે.તપાસમાં જવાબદાર તબીબો, હોસ્પિટલ (Eye Hospital) સંચાલકો અને અન્ય સંબંધિત વ્યક્તિઓની ભૂમિકાની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો હુકમ કરાયો છે.આ આદેશ બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, જેમાં પીડિતોના નિવેદનો, મેડિકલ રિપોર્ટ્સ અને હોસ્પિટલના રેકોર્ડ્સની તપાસ ચાલુ છે.
