લંકાના યુદ્ધમાં માત્ર રાવણ જ રામ અને એમની વાનરસેના સામે યુદ્ધ કરવા હયાત રહ્યો ત્યારે એણે પોતાના વિજય માટે એક યજ્ઞનું આયોજન કર્યું. રામ જાણતા હતા કે રાવણ એનો આ યજ્ઞ છોડી ન શકે. રામે વાલીના પુત્ર અંગદને આ યજ્ઞને અપવિત્ર કરી એનો નાશ કરવા કહ્યું.

અંગદ એની વાનરસેના લઈને રાવણના મહેલમાં ગયો. ત્યાં એમણે હિંસાચાર કરી દીધો. છતાં રાવણ પર એની કોઈ જ અસર ન થઇ. રાવણનું ધ્યાન દોરવા અને એને યજ્ઞ છોડવા મજબુર કરવા માટે અંગદ રાવણની પત્ની મંદોદરીને વાળથી પકડીને રાવણ સામે ઢસડી લાવ્યો.
તેમ છતાં રાવણનું ધ્યાન દેવોને પ્રસન્ન કરવા યજ્ઞમાં જ હતું. આથી મંદોદરીએ એને મદદ માટે આજીજી કરી. મંદોદરીએ એને ટોણો માર્યો કે રામ એમની પત્ની માટે શું કરે છે તે જુવો! (રામે તો સીતા માટે રાવણ સામે યુદ્ધ કર્યું હતું). આથી રાવણ યજ્ઞ છોડવા મજબુર બન્યો. આમ એનો યજ્ઞ પૂરો ન થયો અને યજ્ઞ કરી રામને હરાવવાની એની ઈચ્છા ન ફળી.
