Food style: આજકાલ અળવીની મોસમ ચાલે છે. પૂરી અને પરોઠા સાથે અળવીનું શાક અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. મોટાભાગના ઘરોમાં અળવીનું શાક સૂકું અથવા રસાવાળું બનતુ હોય છે. અળવીને ઉકાળીને અથવા કાચી જ સમારીને સૂકું શાક તૈયાર કરવામાં આવે છે. પણ એમાં રહેલી ચીકાશને કારણે ઘણા લોકોને એ ખાવાનુ પસંદ નથી પડતું. આજે અમે તમને એકદમ કુરકુરી અને ટૅસ્ટી એવી અળવીની રેસિપી બતાવવા જઇ રહ્યાં છીએ.
કુરકુરી અળવી બનાવવાની રેસિપી

પ્રથમ સ્ટૅપ- સૌપ્રથમ અળવીને ધોઇને કૂકરમાં 2 સીટી વાગે ત્યાં સુધી બાફી લો. અળવી વધુપડતી ગળી ન જાય તેનું ધ્યાન રાખવું. ફક્ત અંદર સુધી કચાશ ન રહે એટલી જ વાર બાફવી. મધ્યમ તાપે કૂકરની ફક્ત 2 સીટી વગાડો ત્યારબાદ, કૂકરની વરાળ નીકળી જાય એટલે કૂકર ખોલીને કાઢી લો. પછી ઉપર ઠંડુ પાણી રેડી દો.

બીજુ સ્ટૅપ- હવે અળવીની છાલ ઉતારીને પ્લેટમાં ગોઠવો. છોલેલી અળવીને હળવા હાથ વડે દબાવીને ચપટી કરી લો. હવે એક તાવડીમાં સરસિયાનું તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલા એમાં અજમો અને જીરું તતડાવો. 1 ચપટી હિંગ, 2 મોટા સમારેલાં લીલા મરચાં અને 2 સૂકા લાલ મરચાં નાખો. હવે બાફેલી અળવીને તેલ અને મસાલામાં નાખીને મિક્સ કરી દો.
ત્રીજુ સ્ટૅપ- અળવીના શાકમાં ધાણાજીરું, લાલ મરચું, હળદર, મીઠું અને ગરમ મસાલો નાખીને હલાવી લો. થોડી વાર મધ્યમ તાપે રાંધી લો, ત્યારબાદ ગૅસની ફ્લેમ ધીમી કરીને સતત હલાવતા રહો. અળવી કુરકુરી થાય ત્યાં સુધી પકાવી લો.

ચોથું સ્ટૅપ- બધાં જ મસાલા અળવીમાં સારી રીતે ભળી જાય પછી એમાં થોડું આમચૂર અને ઝીણી સમારેલી કોથમીર ભભરાવી દો. અળવીનું ઉપરનું પડ જ્યારે ક્રિસ્પી થઇ જાય ત્યારે કુરકુરી અળવીને પૂરી અથવા પરોઠા સાથે પીરસો.
આ પણ વાંચો:આ વખતે શ્રાવણ ઉપવાસમાં ફલહારી સાબુદાણા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો, તમને પુષ્કળ ઉર્જા મળશે.
આ પણ વાંચો:શું તમે પણ ચોમાસામાં કોબીજ અને ફુલાવર ખાઓ છો? આ 5 ટિપ્સ અંદર છુપાયેલા જંતુઓ તરત જ દૂર કરશે
