ભારત અને દ.આફ્રિકા વચ્ચેની સીરિઝ આખરે શરૂ થઈ ગઈ છે. સીરિઝની પહેલી મેચ 10 ડિસેમ્બરે રમાવાની હતી, પરંતુ વરસાદને કારણે મેચને જ છોડી દો, ટોસ પણ થઈ શક્યો ન હતો. ત્યાર બાદ બીજી મેચ 12 ડિસેમ્બરે રમાઈ હતી. જોકે, ટીમ ઈન્ડિયા માટે શરૂઆત સારી રહી ન હતી, કારણ કે દ. આફ્રિકાએ શ્રેણીની બીજી મેચ જીતી લીધી હતી. દરમિયાન નવા અને યુવા બેટ્સમેન રિંકુ સિંહે મેચ દરમિયાન ખૂબ પ્રભાવિત કર્યા અને દ. આફ્રિકાને નુકસાન પણ પહોંચાડ્યું.
ભારત અને દક્ષિણ આફ્રિકા બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ દક્ષિણ આફ્રિકાએ પાંચ વિકેટથી જીતીને શ્રેણીમાં લીડ પણ મેળવી લીધી છે. ટોસ જીત્યા બાદ દ. આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ભારતીય ટીમને પહેલા બેટિંગ કરવા કહ્યું, પરંતુ ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા. આ પછી ઇનિંગ્સને સંભાળવાનું કામ તિલક વર્મા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યું હતું. જ્યારે એવું લાગ્યું કે તિલક વર્મા પીચ પર જામી ગયા છે, ત્યારે તેઓ બહાર થઈ ગયા હતા. તિલકે 20 બોલમાં 29 રનની ટૂંકી ઇનિંગ રમી હતી. ત્યાર બાદ રિંકુ સિંહ કેપ્ટનને સપોર્ટ કરવા આવ્યો હતો.
રિંકુ સિંહે છેલ્લા કેટલાક મહિનામાં ફિનિશર તરીકે પોતાની ઓળખ બનાવી છે. પરંતુ આ મેચમાં તેમણે પહેલા બેટિંગ કરવા આવવું પડ્યું હતું. તેણે પણ નિરાશ ન કર્યો. તેણે 39 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી નવ ચોગ્ગા અને બે છગ્ગા આવ્યા હતા. ખાસ વાત એ હતી કે કેપ્ટન સૂર્યકુમાર યાદવ 56 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ રિંકુ સિંહ અણનમ પરત ફર્યો હતો. આ દરમિયાન મેચની 19મી ઓવરમાં રિંકુ સિંહના સિક્સરથી મીડિયા બોક્સનો કાચ તૂટી ગયો હતો. 19મી ઓવરમાં સાઉથ આફ્રિકાનો કેપ્ટન એડન માર્કરામ બોલિંગ કરવા આવ્યો હતો. ઓવરના પાંચમા બોલ પર રિંકુ સિંહે આગળ વધીને મિડવિકેટ તરફ શોટ રમ્યો. બોલ સીધો મેદાનના મીડિયા બોક્સ તરફ ગયો, જ્યાં કાચ તૂટી ગયો. જ્યારે મેચ પૂરી થઈ ત્યારે રિંકુ સિંહે હસીને તેના માટે સોરી કહ્યું હતું.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: