ભારતના સ્ટાર ખેલાડી રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેનની જોડીએ મંગળવારે વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટના મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બોપન્ના-એબડેનની જોડીએ નેધરલેન્ડના ડેવિડ પેલ અને અમેરિકાના રેસી સ્ટેડલરની જોડીને આકરા મુકાબલામાં હરાવ્યું હતું.
બોપન્ના અને એબ્ડેનની છઠ્ઠી ક્રમાંકિત જોડીએ તેમની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં પેલ અને સ્ટેડલરની બિનક્રમાંકિત જોડીને 7-5, 4-6, 7-6થી પરાજય આપ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં, બોપન્ના અને એબ્ડેનનો મુકાબલો ડચ જોડી ટેલોન ગ્રીક્સપૂર અને બાર્ટ સ્ટીવેન્સ સામે થશે. બીજા રાઉન્ડની અન્ય એક મેચમાં આ જોડીએ બ્રાઝિલના માર્સેલો મેલો અને ઓસ્ટ્રેલિયાના જોન પીર્સની જોડીને સીધા સેટમાં 7-5, 6-4થી હરાવ્યા હતા.
નોંધપાત્ર વાત એ છે કે આ પહેલા બોપન્ના અને એબ્ડેને સોમવારે જેકબ ફર્નલી અને જોહાન્સની બ્રિટિશ જોડીને હરાવી હતી. બોપન્ના અને એબ્ડેન માત્ર એક કલાકમાં જ 7-5, 6-3થી જીત મેળવીને રાઉન્ડ ઓફ 16માં પહોંચ્યા હતા. બોપન્ના અને એબ્ડેનની જોડીએ અગાઉની મેચમાં ધીમી શરૂઆત કરી હતી અને 1-3થી પાછળ રહી હતી. જોકે, ભારત-ઓસ્ટ્રેલિયન જોડીએ સમયસર પોતાની લય શોધી કાઢી અને સ્કોર 4-4થી બરાબર કરી દીધો. બ્રિટિશ જોડીએ પણ ટૂંકી લડાઈ કરી, પરંતુ બોપન્ના અને એબ્ડેને મેચને નિયંત્રિત કરી અને શાનદાર વિજય નોંધાવ્યો.
તમને જણાવી દઈએ કે ભારતીય ખેલાડી રોહન બોપન્નાની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે. તેણે માસ્ટર્સ 1000 ફાઇનલમાં સારું પ્રદર્શન કર્યું છે. બોપન્નાએ પેરિસ ચેમ્પિયનશિપ 2011માં તેના પાર્ટનર ઈસમ-ઉલ-હક કુરેશી સાથે ટાઈટલ જીત્યું હતું. આ પછી મહેશ ભૂપતિ સાથે 2012માં ખિતાબ જીત્યો હતો. તેણે 2015માં મેડ્રિડ ચેમ્પિયનશિપ જીતી હતી. બોપન્નાએ 2013માં ઈન્ડિયન વેલ્સ પણ જીતી હતી. આમાં પણ તેનો પાર્ટનર મેથ્યુ એબ્ડેન હતો.
