- કોર્ટે જ્યારે ટી.એન. શેષાનને યાદ કર્યા
- ચૂંટણી પંચની નિષ્પક્ષતાજ શંકાના ઘેરામાં મુકાઈ ગઈ છે.
- આપણા દેશમાં ચૂંટણી પંચ, કેગ,સી.બી.આઈ. વિગેરે સ્વાયત સંસ્થા ગણાય પણ અત્યારે આ સંસ્થાઓ જે નિર્ણય લે છે તેને યોગ્ય કહેવાય કે નહિ તેવા સવાલો ઉભા થયા વગર રહેતા નથી
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્ણતાને આરે છે આ ચૂંટણીમાં ટી. એમ. સી. અને ભાજપ વચ્ચેનો જંગ તો ખેલાયો જ છે. પણ સાથો સાથ મુખ્યમંત્રી મમતા બેનરજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે શાબ્દિક યુધ્ધ પણ વ્યાપક સ્તરે ખેલાયું છે. આ બાબત પણ એક વાસ્તવિકતા છે. જ્યારે આ ચૂંટણીનો પ્રચાર આક્ષેપ સાથે કાળમુખો કહી શકાય તેવા કોરોનાનો પણ નિમિત્ત બન્યો છે તે પણ હકીકત છે. કારણકે ચૂંટણી પ્રચારના પંદર વીસ દિવસ દરમિયાન કોરોનાના રોજિંદા કેસોની સંખ્યા વધીને ચાર હજારનો આંક વટાવી ગઈ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોરોનાની સોશિયલ ડિસ્ટન્સ સહિતની ગાઈડ લાઈનના ધજાગરા ઊડ્યા હોય તેવા અનેક બનાવો બન્યા તે હકીકતનો કોઈ ઇનકાર કરી શકે તેમ નથી. વડાપ્રધાન, ગૃહપ્રધાન તેમજ રાજ્યના મુખ્યમંત્રી સહિતના નેતાઓની સભા – રેલી અને રોડ શો માં કોવિડના નિયમોને નેવે મુકાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો કોલકત્તા હાઇકોર્ટે તાજેતરમાં એવી ટકોર કરી અને સાથો સાથ એવુ વિધાન પણ કર્યું કે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન. શેષાનના સમયગાળામાં જે કામગીરી થઈ હતી તેની દસ ટકા કામગીરી પણ આ વખતે થઈ નથી. કોર્ટે એક વાક્યમાં ઘણું કહી દીધું છે એક ચૂંટણી નિષ્ણાતનો મત માનીએ તો ચૂંટણી પંચની નિષ્પક્ષતાજ શંકાના ઘેરામાં મુકાઈ ગઈ છે.
પશ્ચિમ બંગાળમાં સર્વપક્ષીય બેઠક મળી તેમાં મમતા બેનરજીએ એવી માંગણી કરી હતી કે જે બાકી ચાર ચરણ બાકી છે તેની ચૂંટણી એક સાથે યોજવામાં આવે પણ ચૂંટણી પંચે આ માગણી ફગાવી દીધી, કારણકે કેન્દ્રનો સત્તાધારી પક્ષ ભાજપ આ અંગે સહમત નહોતો. પ્રચાર રેલીઓ મર્યાદિત કરવા બાબતમાં પણ પંચ અને રાજકીય પક્ષના નેતાઓ મોડા જાગ્યા. કોલકત્તા હાઈકોર્ટે જેને યાદ કર્યા છે તે ટી.એન.શેષાન ૧૯૯૦ના દાયકામાં મુખ્ય ચૂંટણી કમિશનર હતા. તેમના કાર્યકાળમાં જ ચૂંટણી આચાર સંહિતાના નિયમો અમલમાં આવ્યા હતા. સરકારી વાહનોના ઉપયોગ પર તેમણેજ પ્રતિબંધ ફરમાવતો નિયમ દાખલ કર્યો હતો. તેમણે કરેલા ચૂંટણી સુધારા એક આદર્શ સમાન બન્યા હતા.ચૂંટણી ખર્ચમાં મર્યાદા સહિતના અને પ્રચારમાં સંયમ રાખવા સહિતના અનેક સુધારા તેમણે દાખલ કર્યા હતા, એટલુંજ નહિ પણ તેનો કડક અમલ કરાવી અનેક નેતાઓને સીધા કર્યા હતા. જોકે તેમની વિદાય બાદ જે અનુગામીઓ આવ્યા તેમાં એકાદ બે અપવાદને બાદ કરતાં કોઈ યોગ્ય રીતે તેમને અનુસર્યા નથી તે હકીકત છે.

આપણા દેશમાં ચૂંટણી પંચ, કેગ,સી.બી.આઈ. વિગેરે સ્વાયત સંસ્થા ગણાય પણ અત્યારે આ સંસ્થાઓ જે નિર્ણય લે છે તેને યોગ્ય કહેવાય કે નહિ તેવા સવાલો ઉભા થયા વગર રહેતા નથી. આનું શું કારણ ? તેવો પ્રશ્ન સૌના મનમાં જાગે છે. એક નિષ્ણાતે આપેલી માહિતિ મુજબ ૨૦૧૮માં મધ્યપ્રદેશ સહિત ત્રણ રાજ્યો માટે ચૂંટણીની તારીખ વડાપ્રધાનની સૂચિત રેલીના કારણે મોડી જાહેર કરી હતી તેવા આક્ષેપ અંગે હજી સુધી જવાબ મળ્યો નથી. ૨૩૪ સભ્યો વાળી તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી એક જ સાથે યોજાય અને ૨૯૪ સભ્યો વાળી બંગાળ વિધાનસભાની ચૂંટણી એક માસના આઠ તબક્કામાં યોજાય અને તેમાં પણ કેટલાક સ્થળે એક જિલ્લાના મત વિસ્તારોની ચૂંટણી અલગ દિવસે યોજાય અને તે અંગે હિંસાના ભયનું કારણ અપાય તે વાત કોઈ જાણકારના ગળે ઉતરતી નથી. ઘણા આરોપ કરે છે તે મુજબ રાજકીય અનુકૂળતા મુજબ તારીખો નક્કી થઈ હતી તે બાબત અંગે હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી તે પણ એક હકીકત છે.
૨૦૧૪ બાદ શરૂ થયેલો આ સિલસિલો હજી પણ જળવાયો છે તેમ કહીયે તો જરાય ખોટું નથી
