રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનની સેનાને સત્તા પોતાના હાથમાં લેવા કહ્યું છે. રોયટર્સે આ માહિતી આપી છે. તેમણે યુક્રેનિયન સૈન્યને “નિયો-નાઝીઓ” થી નાગરિકોને બચાવવા માટે “સત્તા” પોતાના હાથમાં લેવા હાકલ કરી. પુતિને યુક્રેનિયન સૈન્યને કહ્યું કે રશિયા માટે તેમની સાથે સોદો કરવો સરળ રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રશિયન રાષ્ટ્રપતિ સાથે વાતચીતની અપીલ કરી છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવનું કહેવું છે કે રશિયા બેલારુસની રાજધાની મિન્સ્કમાં યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર છે. દરમિયાન, રશિયન સૈન્યએ દાવો કર્યો છે કે તેણે કિવની બહાર એક એરપોર્ટ પર કબજો કરીને પશ્ચિમથી રાજધાની સાથેનો સંપર્ક કાપી નાખ્યો છે.
