Sanand News: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિંછીયા ગામમાં 10 વર્ષના બાળકના મોતના મામલે તેના પિતા સામે હત્યાનો ગુનો (Sanand Murder Case) નોંધાયો છે. ફરિયાદ મુજબ, પિતાએ માતાજીની દેરી પાસે બાળકને માર માર્યો હતો. ત્યારબાદ બાળકનો મૃતદેહ ખાટલામાં મૂકીને તે બાજુમાં સૂઈ ગયો હોવાનો પણ આક્ષેપ છે. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
Sanand Murder Case: પતિ સાથેના ઝઘડા બાદ પિયર ગયાં હતાં માતા
વિંછીયા ગામ (Vinchiya Village News)માં ભારતીબેન પટેલ તેમના પતિ નરેશ પટેલ અને 10 વર્ષના દીકરા કરણ સાથે રહેતાં હતાં. આશરે 10 દિવસ પહેલાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન નરેશે ભારતીબેનને માર માર્યો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ ભારતીબેન પિયર જતાં રહ્યાં હતાં. કરણની પરીક્ષા હોવાથી તેને પિતા પાસે જ રાખ્યો હતો.
પાડોશીના ફોન બાદ માતા ઘરે પહોંચ્યાં
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 1 નવેમ્બરની સાંજે પાડોશીએ ભારતીબેનને ફોન કરીને કરણને તેના પિતાએ લાકડીથી માર માર્યો હોવાની જાણ કરી હતી. આ માહિતી મળતાં ભારતીબેન પરિવારના અન્ય સભ્યો સાથે વિંછીયા ગામે પહોંચ્યાં હતાં.
રાત્રે આશરે 9 વાગ્યે તેઓ ઘર નજીક આવેલી જોગણી માતાની દેરી પાસે પહોંચ્યાં ત્યારે કરણ ખાટલામાં લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. તપાસ કરતાં તેનું મોત થયું હોવાનું જણાયું (Ahmedabad Crime News) હતું. નજીકના બીજા ખાટલા પર નરેશ સૂતો હતો. તેના કપડાં પર પણ લોહીના ડાઘા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ધાર્મિક માન્યતાને લઈને હત્યા કરી હોવાનો આક્ષેપ
ફરિયાદ મુજબ, ભારતીબેને કરણના મોત અંગે પૂછતાં નરેશે જણાવ્યું હતું કે તેના પિતા માતાજીના ભૂવા હતા અને તેમના બાદ તે પોતે ભૂવા બન્યો હતો. ત્યારબાદ તેણે કથિત રીતે જણાવ્યું કે તેના પછી પરિવારનો કોઈ સભ્ય ભૂવો ન બને તે માટે તેણે માતાજીની દેરી પાસે કરણને બંને પગથી પકડીને બે-ત્રણ વખત પછાડ્યો હતો અને માથામાં લાકડી મારી તેની હત્યા કરી (Father Son Murder Case) હતી. આ વાત સાંભળીને પરિવારજનોમાં રોષ ફેલાયો હતો, ત્યારબાદ ભારતીબેને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
પોલીસ અને FSLની ટીમે તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં સાણંદ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. FSLની ટીમે પણ ઘટનાસ્થળે તપાસ કરી હતી. કરણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ મામલે ભારતીબેને પોતાના પતિ નરેશ પટેલ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ગાઝિયાબાદમાં પતિની હત્યાનું કથિત કાવતરું: પત્ની અને જિમ ટ્રેનરની ધરપકડ, 3 વર્ષની દીકરી સામે હુમલો
આ પણ વાંચો: Instagram Love Story: લગ્નના 9 મહિના બાદ પત્નીની હત્યા, પતિની ધરપકડ
આ પણ વાંચો: ગુજરાતમાં ગૌહત્યા કેસના 3 દોષિતોને આજીવન કેદ, જજે કર્યો વેદોનો ઉલ્લેખ
