Ahmedabad News: અમદાવાદના સનાથલ સર્કલ પાસે આવેલા નવાપુરા ગામની સીમમાં આવેલી ઇન્ગ્રામ માઇક્રો કંપનીના વેરહાઉસમાંથી અંદાજે ₹1 કરોડના કિંમતી ગેઝેટ્સની ચોરી (Sanathal Warehouse Theft) થયાની ઘટના સામે આવી છે. ચોરો વેરહાઉસના પાછળના ભાગે આવેલા પતરા તોડીને અંદર પ્રવેશ્યા હતા. ચોરી કરાયેલા સામાનમાં iPhone, iPad, Apple Watch અને લેપટોપ સહિતનાં ઉપકરણોનો સમાવેશ થાય છે. ચાંગોદર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
Sanathal Warehouse Theft: વેરહાઉસમાંથી iPhone, iPad અને લેપટોપની ચોરી
મળતી માહિતી મુજબ, જગતપુરના ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતા સુધીર નાયર સનાથલ સર્કલ પાસે નવાપુરા ગામની સીમમાં આવેલા ઇન્ગ્રામ માઇક્રો કંપનીના વેરહાઉસ (Ingram Micro Warehouse)માં મેનેજર તરીકે ફરજ બજાવે છે. 21 ઑક્ટોબરની રાત્રે 1થી 2:30 વાગ્યાની આસપાસ સિક્યોરિટી ગાર્ડે તપાસ કરતાં વેરહાઉસના પાછળના ભાગનાં પતરા તૂટેલી હાલતમાં જોવા મળ્યાં હતાં.
વધુ તપાસ દરમિયાન કેટલાક પાર્સલ તૂટેલા અને તેમાંથી કિંમતી સામાન ગાયબ હોવાનું જણાયું હતું. આ અંગે જાણ થતાં મેનેજર સુધીર નાયર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ચોરી થયેલા સામાનની તપાસ કરી હતી.
₹1 કરોડનો મુદ્દામાલ ચોરાયો
મેનેજરની તપાસ મુજબ, વેરહાઉસમાંથી 40 iPhone 17, 30 iPhone 16, ડેલ કંપનીનાં 15 લેપટોપ, HP કંપનીનાં 11 લેપટોપ, 36 Apple Watch, 20 iPad કીબોર્ડ તેમજ iPad Pro અને લેપટોપની બેગ સહિત અંદાજે ₹1 કરોડનો મુદ્દામાલ ચોરાયો (Sanathal Crime News) હતો.
CCTVના આધારે પોલીસ તપાસ
વેરહાઉસના CCTV ફૂટેજની તપાસમાં તસ્કરો પાછળ આવેલા ખુલ્લા ખેતર તરફથી આવ્યા હોવાનું અને પતરા તોડીને અંદર પ્રવેશ્યા બાદ ચોરી કરીને એ જ રસ્તે નાસી છૂટ્યા હોવાનું સામે આવ્યું છે.
આ મામલે ચાંગોદર પોલીસ (Changodar Police)ની સાથે અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમે પણ તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોરીમાં કોઈ જાણભેદુની સંડોવણી હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ટેકનિકલ વિશ્લેષણ સહિતની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: વિયેતનામ પ્રવાસ વચ્ચે ‘વોટ ચોરી’ મુદ્દે BJP-કોંગ્રેસ સામસામે
આ પણ વાંચો: ઘરફોડ અને વાહન ચોરીના 3 આરોપી અમદાવાદ ગ્રામ્ય LCBના સકંજામાં
આ પણ વાંચો: ‘આગામી 30 વર્ષ સુધી નંબર નહીં આવે’, વોટ ચોરીના આરોપો પર અમિત શાહનો પલટવાર
