Ahmedabad News/ અમદાવાદમાં કોડીનયુક્ત કફ સીરપ સાથે પેડલર ઝડપાયો, 56 બોટલના બેચ નંબર ભૂંસેલા મળ્યા

Codeine Cough Syrup: અમદાવાદના દાણીલીમડામાં કોડીનયુક્ત કફ સીરપની 56 બોટલ સાથે એક શખસ ઝડપાયો. બોટલોના બેચ નંબર ભૂંસેલા મળતાં સપ્લાયર સામે પણ તપાસ શરૂ થઈ.

Top Stories Ahmedabad Gujarat
Codeine Cough Syrup: અમદાવાદમાં કોડીનયુક્ત કફ સીરપની 56 બોટલ જપ્ત

Ahmedabad News: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ઢોરબજાર ગેટ નંબર-2 સામે કોડીન ફોસ્ફેટયુક્ત કફ સીરપ (Codeine Cough Syrup)ના જથ્થા સાથે એક શખસને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન 100 MLની કુલ 56 બોટલ સહિત અંદાજે ₹1.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં બોટલો પરના બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ લાયસન્સ નંબર અને અન્ય વિગતો ભૂંસી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ જથ્થો સપ્લાય કરનાર અન્ય એક શખસ સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Codeine Cough Syrup: બાતમીના આધારે પોલીસે ગોઠવી વોચ

પોલીસના જણાવ્યા અનુસાર, ANW સેક્ટર-2ના પોલીસ ઇન્સ્પેક્ટરને બાતમી મળી હતી કે એક શખસ બર્ગમેન સ્કૂટર પર કોડીનયુક્ત કફ સીરપનો જથ્થો લઈને દાણીલીમડા ઢોરબજારથી જમાલપુર તરફ જવાનો છે. આ માહિતીના આધારે પોલીસે સરકારી પંચોની હાજરીમાં ઢોરબજાર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી.

આ દરમિયાન કાળા રંગના બર્ગમેન સ્કૂટર પર આવેલા શખસને અટકાવી તપાસ કરવામાં આવી હતી. પૂછપરછમાં તેણે પોતાનું નામ જાવેદ ઉર્ફે માસ્ટર ગુલામઅહેમદ પઠાણ (ઉંમર 42 વર્ષ) હોવાનું જણાવ્યું હતું. સ્કૂટરની ડીકીની તપાસ દરમિયાન કાપડ અને પ્લાસ્ટિકની થેલીમાં રાખેલી કફ સીરપની બોટલો મળી આવી હતી.

56 બોટલ સહિત ₹1.26 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે જપ્ત કરેલા જથ્થામાં CODIFOS-T કંપનીની 100 MLની 29 બોટલ અને XOMET કંપનીની 100 MLની 27 બોટલ મળી આવી હતી. આમ, કુલ 56 બોટલની કિંમત ₹65,884 હોવાનું જણાવાયું છે. મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ ₹1.26 લાખનો મુદ્દામાલ કબજે (Ahmedabad Crime News) કરવામાં આવ્યો છે.

પોલીસના પ્રાથમિક પરીક્ષણમાં બોટલોમાં કોડીન ફોસ્ફેટ હોવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. જોકે, પદાર્થની અંતિમ પુષ્ટિ માટે સત્તાવાર તપાસના પરિણામો મહત્ત્વપૂર્ણ રહેશે.

બોટલો પરથી બેચ નંબર અને તારીખો ભૂંસેલી

તપાસ દરમિયાન બોટલો પરના લેબલમાંથી મેન્યુફેક્ચરિંગ લાયસન્સ નંબર, બેચ નંબર, ઉત્પાદન તારીખ અને એક્સપાયરી ડેટ જાણીજોઈને ભૂંસી નાખવામાં આવી હોવાનું જણાયું હતું. બેચ નંબર અને ઉત્પાદન સંબંધિત વિગતોના આધારે દવાઓના સપ્લાય તથા વિતરણની કડી શોધી શકાય છે. આ વિગતો ભૂંસવામાં આવી હોવાને કારણે જથ્થાના મૂળ સ્ત્રોતની તપાસમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.

સપ્લાયર સામે પણ તપાસ શરૂ

પોલીસ (Gujarat Police)ના જણાવ્યા મુજબ, જાવેદે પૂછપરછ દરમિયાન આ જથ્થો છૂટક વેચાણ માટે બહેરામપુરા ઢોરબજાર સામે પીરાણા રોડ વિસ્તારમાં રહેતા અલ્તાફ ઉર્ફે ઘેટો પાસેથી મેળવ્યો હોવાની માહિતી આપી હતી.

આ મામલે બંને શખસો વિરુદ્ધ NDPS એક્ટ (NDPS Act)ની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે કફ સીરપનો જથ્થો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો અને તેની સપ્લાય ચેઇનમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ કરી રહી છે.


આ પણ વાંચો: અમદાવાદના દાણીલીમડામાં 76 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ ઝડપાયું, બે પેડલરની ધરપકડ

આ પણ વાંચો: અમદાવાદમાં ડ્રગ્સ પેડલર કાબૂ બહાર, PSI પર કાર ચઢાવવાનો પ્રયત્ન કર્યો

આ પણ વાંચો: સુરત ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ પેડલર યશ રાઠોડને લાખો રૂપિયાના ગાંજા સાથે ઝડપ્યો