કોંગ્રેસને આજે દક્ષિણ ભારતમાં મોટી સફળતા મળી જ્યારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની બહેન વાયએસ શર્મિલાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલની હાજરીમાં તેમની પાર્ટી વાયએસઆર તેલંગાણાનું કોંગ્રેસમાં વિલય કર્યું. કોંગ્રેસમાં જોડાયા બાદ તેઓ કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળ્યા હતા. વાયએસ શર્મિલાની પાર્ટીના કોંગ્રેસમાં વિલય બાદ કોંગ્રેસને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં જોરદાર તાકાત મળશે.
શર્મિલા અવિભાજિત આંધ્ર પ્દેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, સ્વર્ગસ્થ વાયએસ રાજશેખર રેડ્ડીની પુત્રી અને વર્તમાન આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગનમોહન રેડ્ડીની નાની બહેન છે. કોંગ્રેસમાં સામેલ થવા પર ખુશી વ્યક્ત કરતા વાયએસ શર્મિલાએ કહ્યું કે તેઓ વાયએસઆર તેલંગાણા પાર્ટીને કોંગ્રેસમાં મર્જ કરીને ખૂબ જ ખુશ છે. કોંગ્રેસમાં તેમને જે પણ જવાબદારી આપવામાં આવશે, તે પૂરી નિષ્ઠા અને મહેનતથી નિભાવશે.
વાયએસ શર્મિલાએ કહ્યું કે તેમના સ્વર્ગસ્થ પિતા વાયએસ રાજશેખર રેડ્ડીએ આખી જીંદગી કોંગ્રેસ પાર્ટીની જ સેવા કરી નથી પરંતુ કોંગ્રેસ પાર્ટીની સેવામાં પોતાનું જીવન પણ આપી દીધું છે. તેમણે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો, કારણ કે કોંગ્રેસ દેશની એકમાત્ર સાચી અને સૌથી મોટી બિનસાંપ્રદાયિક પાર્ટી છે. કોંગ્રેસે હંમેશા તમામ વર્ગોની સેવા કરવાની અને લોકોને એક કરવાની ભારતની સંસ્કૃતિને સમર્થન આપ્યું છે. તેણીએ કહ્યું કે રાહુલ ગાંધીને ભારતના વડાપ્રધાન તરીકે જોવાનું તેના પિતાનું સપનું હતું અને તે ખુશ છે કે તે તે સાકાર કરવામાં ભાગ બનવા જઈ રહી છે.
