BAPS Diksha Mahotsav 2026: આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં યુવાનો કરિયર અને પૈસા પાછળ દોડી રહ્યા છે, ત્યાં બોટાદના સાળંગપુર ધામમાં એક અલૌકિક દ્રશ્ય સર્જાયું છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં યોજાયેલા ભવ્ય દીક્ષા મહોત્સવમાં 33 ઉચ્ચ શિક્ષિત યુવાનોએ સંસારના સુખોનો ત્યાગ કરી ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે.

કોણ છે આ 33 યુવાનો?
આજે દીક્ષા લેનારા યુવાનો કોઈ સામાન્ય વ્યક્તિઓ નથી, પરંતુ તેઓ શૈક્ષણિક અને આર્થિક રીતે અત્યંત સમૃદ્ધ બેકગ્રાઉન્ડ ધરાવે છે. આ 33 નવદીક્ષિત સંતોમાં એક ડોક્ટર, એક આર્કિટેક્ટ, 13 એન્જિનિયર્સ, 11 ગ્રેજ્યુએટ્સ, 3 માસ્ટર્સ ડિગ્રી ધારક અને કેનેડાના 4 NRI યુવાનોનો સમાવેશ થાય છે. આ તમામ યુવાનોએ પોતાની ઉજ્જવળ કારકિર્દી અને ભૌતિક સુખોને તિલાંજલિ આપીને ભારતીય સંસ્કૃતિની મહાન ત્યાગ પરંપરા સહર્ષ અપનાવી છે, જે સમાજ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ છે.

મહંતસ્વામી મહારાજે આપ્યો ગુરુમંત્ર
દીક્ષા મહોત્સવની શરૂઆત વહેલી સવારે 6 વાગ્યે વૈદિક મહાપૂજાથી થઈ હતી. વરિષ્ઠ સંતોએ યુવાનોને કંઠી, ઉપવસ્ત્ર અને પાઘ ધારણ કરાવી હતી. ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તમામ 33 નવદીક્ષિત સંતોને ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’ (હું અક્ષર છું અને પુરુષોત્તમનો દાસ છું) નો દિવ્ય ગુરુમંત્ર આપીને આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે દીક્ષાર્થીઓના માતા-પિતાનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેમણે પોતાના લાડકવાયા દીકરાઓને સમાજ સેવા અને પ્રભુ ભક્તિ માટે અર્પણ કર્યા.
BAPS સંતોની ફોજ 1234 પર પહોંચી
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ 29 યુવાનોને પાર્ષદી દીક્ષા આપવામાં આવી હતી. આજની 33 સંત દીક્ષા સાથે પ.પૂ. મહંત સ્વામી મહારાજના હસ્તે અત્યાર સુધીમાં કુલ 352 સંતો દીક્ષિત થયા છે. આ સાથે જ BAPS સંસ્થાના કુલ સંતોની સંખ્યા 1234 પર પહોંચી છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) માં માન્યતા ધરાવતી BAPS સંસ્થાના આ ઉચ્ચ શિક્ષિત સંતો એક પણ દિવસની રજા કે કોઈપણ પ્રકારના વેતન વિના સમગ્ર જીવન ગુરુની આજ્ઞા મુજબ સેવા અને ભક્તિમાં વિતાવે છે.
આ પણ વાંચો: બોટાદમાં આજે નવા વર્ષના દિવસે સાળંગપુર ખાતે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું
આ પણ વાંચો: બોટાદના સાળંગપુર મંદિરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે
આ પણ વાંચો: સાળંગપુર કષ્ટભંજન દેવને અત્તરથી સુશોભિત કરાયાં
