Gujarat News/ રંગોત્સવ પર લાગ્યું ગ્રહણ! ગુજરાતમાં એક જ દિવસમાં 23ના ડૂબી જવાથી મોત, જાણો ક્યાં બની ઘટના?

Dhuleti Tragedy: ગુજરાતમાં ધૂળેટીના દિવસે અમદાવાદ, સુરત, મહીસાગર અને અરવલ્લીમાં ડૂબી જવાથી કુલ 17 લોકોના મોત થયા છે. જાણો રાજ્યભરની કરુણ ઘટનાઓનો રિપોર્ટ.

Top Stories Gujarat Others
Gujarat Dhuleti Tragedy

Gujarat Dhuleti Tragedy: ગુજરાતમાં રંગોનો તહેવાર હોળી-ધૂળેટી ખુશીઓને બદલે કલ્પાંત લઈને આવ્યો છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ધૂળેટી રમીને ન્હાવા પડેલા લોકો માટે પાણી કાળ સાબિત થયું છે. અમદાવાદ, સુરત, અરવલ્લી, મહીસાગર અને અમરેલીમાં બનેલી અલગ-અલગ દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 23 લોકોના ડૂબી જવાથી મોત થયા છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં યુવાનો અને બાળકોના મોત થતા સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

અમદાવાદ: સાબરમતી નદી અને તળાવમાં કુલ 7 જિંદગી હોમાઈ

અમદાવાદના રિવરફ્રન્ટ પર સાબરમતી નદીમાં નાહવા પડેલા કુબેરનગરના ચાર યુવાનો ડૂબ્યા હતા, જેમને ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા; જોકે તેમાંથી ત્રણના ઘટનાસ્થળે જ અને એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બીજી તરફ, અમદાવાદ જિલ્લાના સીતાપુર ગામે આવેલા ઝોલાસર તળાવમાં પણ પાંચ બાળકો નાહવા પડ્યા હતા, જેમાંથી ત્રણ માસૂમ બાળકોના ડૂબી જવાથી કરુણ મોત થયા છે, જ્યારે બે બાળકોને બચાવી લેવાયા છે. આ બંને ઘટનાઓથી સમગ્ર પંથકમાં ઘેરા શોકનો માહોલ છવાઈ ગયો છે.

Gujarat Dhuleti Tragedy

મહીસાગર: એક જ ગામના 4 યુવાનોના મોત

મહીસાગર જિલ્લાના લુણાવાડા પાસે આવેલ કોઠંબા નજીકના રાઘવના મુવાડા ગામે તળાવમાં નાહવા પડેલા ૪ યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. એક જ ગામના ચાર જુવાનજોધ દીકરાઓના મૃતદેહ એકસાથે નીકળતા ગામ આખું હિબકે ચઢ્યું હતું.

સુરત: કીમ નદીમાં 3 મિત્રોની જળસમાધિ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામ પાસે કીમ નદીમાં ન્હાવા ગયેલા ૩ મિત્રો (ચંદ્રભૂષણ સિંગ, હેપ્પી સિંગ અને સંજય માંગુકિયા) ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કોસંબા પોલીસ અને સ્થાનિક તરવૈયાઓએ ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

અરવલ્લી: 2 પિતરાઈ ભાઈઓના મોત

અરવલ્લીના માલપુર તાલુકાના નવા ગામે ધોરણ 5 અને 6 માં ભણતા બે પિતરાઈ ભાઈઓ (રાયચંદ અને જૈમીન ડામોર) તળાવમાં ડૂબી ગયા હતા. મોડાસા ફાયર બ્રિગેડે બંને માસૂમ બાળકોના મૃતદેહ બહાર કાઢતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

અમરેલી: શેત્રુંજી નદીમાં યુવકનું મોત

અમરેલીના બહારપરા વિસ્તારમાં રહેતો એક યુવક ધૂળેટી રમ્યા બાદ શેત્રુંજી નદીમાં ન્હાવા ગયો હતો, જ્યાં તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે.


આ પણ વાંચો: બાયડના માલપુરમાં ધુળેટીનો ઉત્સવ માતમમાં ફેરવાયો, તળાવમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના મોત

આ પણ વાંચો: સુરતમાં ધુળેટીનો આનંદ માતમમાં ફેરવાયો! કીમ નદીમાં ન્હાવા પડેલા ૩ યુવાનોના ડૂબી જવાથી મોત

આ પણ વાંચો: અમદાવાદમાં નળ સરોવરમાં ડૂબી જવાથી યુવાનનું મોત, પરિવારમાં શોકનું મોજું