Vadodara News/ વડોદરામાં ભરતી વિવાદ વકર્યો! એક જ દિવસમાં અધિકારી બરતરફ અને બીજા દિવસે હાઈકોર્ટનો સ્ટે!

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ના ક્લાસ-1 અધિકારી ધાર્મિક દવેને હાઈકોર્ટના આદેશ બાદ છૂટા કરાયા હતા, પરંતુ ડિવિઝન બેંચે હવે સ્ટે આપતા મામલો ગૂંચવાયો છે.

Gujarat Top Stories Vadodara
VMC Recruitment Case

VMC Recruitment Case: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) માં એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ) ની ભરતીનો મામલો હવે ગૂંચવાયો છે. સોમવારે કોર્પોરેશને હાઈકોર્ટના સિંગલ જજના આદેશનું પાલન કરીને ક્લાસ-1 અધિકારી ધાર્મિક દવેને નોકરીમાંથી બરતરફ (Terminate) કર્યા હતા, પરંતુ મંગળવારે હાઈકોર્ટની ડિવિઝન બેંચે આ આદેશ પર સ્ટે (Stay) આપી દેતા પાલિકા તંત્રમાં અવઢવ ઉભી થઈ છે.

શું છે આખો મામલો? 

આ વિવાદ વર્ષ 2018નો છે, જ્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ) ની જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતીના મેરિટ લિસ્ટમાં સુરતના ઉમેદવાર જતીન બી. કળથીયાએ 250 માર્ક્સ સાથે ટોપ કર્યું હતું, જ્યારે ધાર્મિક દવેને 176 માર્ક્સ મળ્યા હતા અને તેઓ ત્રીજા ક્રમે હતા. મેરિટ લિસ્ટમાં જતીન કળથીયા સ્પષ્ટપણે આગળ હોવા છતાં, VMC ની જનરલ બોર્ડે 27 સપ્ટેમ્બર 2018ના રોજ એક વિવાદાસ્પદ ઠરાવ પસાર કરીને ઓછા માર્ક્સ ધરાવતા ધાર્મિક દવેની નિમણૂક કરી દીધી હતી. આ અન્યાયી નિર્ણય સામે જતીન કળથીયાએ ન્યાય મેળવવા માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.

VMC Recruitment Case

સિંગલ જજનો ચુકાદો અને બરતરફી

ગયા મહિને (ફેબ્રુઆરી 2026) હાઈકોર્ટની સિંગલ જજની બેંચે એક ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “જાહેર ભરતી પ્રક્રિયામાં મેરિટની અવગણના ક્યારેય પણ થઈ શકે નહીં.” કોર્ટે આ મામલે કડક વલણ દાખવતા ધાર્મિક દવેની નિમણૂક રદ કરી હતી અને 2 માર્ચ 2026 સુધીમાં મેરિટમાં સ્થાન ધરાવતા જતીન કળથીયાને નિમણૂક આપવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટના આ આદેશનું પાલન કરતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ સોમવારે તાત્કાલિક અસરથી ધાર્મિક દવેને છૂટા કરી દીધા હતા અને મેરિટમાં ટોપર રહેલા જતીન કળથીયાને વિધિવત નિમણૂક પત્ર પણ સુપરત કરી દીધો હતો.

VMC માં ભારે અસમંજસની સ્થિતિ

પોતાની બરતરફીના આદેશને પડકારતા ધાર્મિક દવેએ હાઈકોર્ટમાં તાત્કાલિક લેટર્સ પેટન્ટ અપીલ (LPA) દાખલ કરી હતી, જેની સુનાવણી દરમિયાન મંગળવારે ડિવિઝન બેંચે સિંગલ જજના આદેશ પર મનાઈ હુકમ (Stay) ફરમાવ્યો છે. જોકે, આ સ્ટે ઓર્ડર આવતા સુધીમાં પાલિકાએ તો અગાઉના આદેશનું પાલન કરીને તેમને છૂટા કરી દીધા છે અને બીજા ઉમેદવારને નિમણૂક પણ આપી દીધી છે, જેના કારણે હવે કયા અધિકારીને માન્ય ગણવા તે અંગે VMC માં ભારે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. આ સમગ્ર મામલાનો આખરી નિર્ણય હવે હાઈકોર્ટની અપીલના ચુકાદા પર જ નિર્ભર રહેશે.


આ પણ વાંચો:વડોદરામાં શિક્ષણ કૌભાંડ: DEOની ચૂપ્પી, હાઈકમાન્ડ નિષ્ક્રિય

આ પણ વાંચો:વડોદરા ફાયર વિભાગ કૌભાંડ, 3.17 કરોડની ગેરરીતિનો પર્દાફાશ, ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ

આ પણ વાંચો:વડોદરામાં નકલી બર્થ સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું