Gir Somnath Mango Juice Raid: ઉનાળો શરૂ થવાની તૈયારીમાં છે અને લગ્નસરાની મોસમ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આવા સમયે જો તમે કેરીનો રસ (મેંગો જ્યુસ) પીવાના શોખીન હોવ તો સાવધાન થઈ જજો. ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના હડમતિયા ગીર ગામેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતો 16,000 લીટર અખાદ્ય કેરીના રસનો જથ્થો ઝડપાયો છે.
Gir Somnath: સંયુક્ત દરોડામાં મોટો ઘટસ્ફોટ
ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ફૂડ સેફ્ટી ઓફિસરોને મળેલી બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અધિકારીઓએ હડમતિયા ગીર ગામની સીમમાં આવેલી ‘રુચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટ’ (Ruchil Agro Food Product) નામની ફેક્ટરી પર અચાનક દરોડા પાડ્યા હતા. ફેક્ટરીના ગોડાઉનમાં તપાસ કરતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે ત્યાં હજારો લીટર શંકાસ્પદ રસનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.

2 વર્ષ જૂનો અને ભેળસેળિયો રસ!
અધિકારીઓના જણાવ્યા મુજબ, ગોડાઉનમાંથી મળી આવેલો આશરે 16,000 લીટર કેરીનો રસનો જથ્થો બે વર્ષ જૂનો હોવાનું ખુલ્યું છે. આ રસ સંપૂર્ણપણે અખાદ્ય અને ભેળસેળયુક્ત હોવાથી તે લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે તેમ હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આ સડેલો રસ હાલ ચાલી રહેલી લગ્નસરાની સીઝનમાં અને આવનારા ઉનાળામાં બજારમાં વેચવા માટે જ સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો, જે એક ગંભીર ગુનો છે.
પોલીસે જથ્થો જપ્ત કર્યો
સદનસીબે, આ ઝેરી સમાન રસ બજારમાં વેચાય અને લોકોના પેટમાં જાય તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો છે. SOG અને ફૂડ વિભાગે તમામ 16,000 લીટર જથ્થો સીઝ (Seize) કર્યો છે અને તેને નાશ કરવા અથવા વધુ તપાસ માટે ફૂડ સેફ્ટી વિભાગને સોંપી દીધો છે. આ મામલે ફેક્ટરી માલિકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ ઘટના બાદ તલાલા પંથકના અને રાજ્યભરના લોકોમાં ફફડાટ ફેલાયો છે કે બજારમાં મળતો તૈયાર કેરીનો રસ કેટલો સુરક્ષિત છે?
