Not Set/ ડો. સુધીર પરીખને સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો

અમદાવાદઃ વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ અને શ્રી કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ પ્રદાન સમારંભ અમદાવાદમાં બીજી ફેબ્રુઆરી, શુક્રવારે યોજાયો હતો. ભારત-અમેરિકી સમાજના શ્રેષ્ઠીજન અને અમેરિકાસ્થિત પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખને સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ, પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિહ્ન અને રૂ. અઢી લાખનો રોકડ પુરસ્કાર પ્રદાન […]

Gujarat

અમદાવાદઃ

વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ અને શ્રી કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ પ્રદાન સમારંભ અમદાવાદમાં બીજી ફેબ્રુઆરી, શુક્રવારે યોજાયો હતો.

ભારત-અમેરિકી સમાજના શ્રેષ્ઠીજન અને અમેરિકાસ્થિત પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખને સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ, પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિહ્ન અને રૂ. અઢી લાખનો રોકડ પુરસ્કાર પ્રદાન થયો હતો, જયારે રિસર્ચ ડાયરેકટર ડો. અશોક વૈદ્યને  શ્રી કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ, પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિહ્ન  અને રૂ. એક લાખનો રોકડ પુરસ્કાર એનાયત થયો હતો. સમારંભના અધ્યક્ષસ્થાને ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલી  અને અતિથિવિશેષપદે જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ ઓ. પી. કોહલીને સ્મૃતિચિહ્ન અર્પણ કરી, શાલ ઓઢાડી સૂતરની આંટીથી સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ ઓ. પી. કોહલીના હસ્તે ડો. સુધીર પરીખને શાલ ઓઢાડી રોકડ ધનરાશિ, પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિહ્ન  પ્રદાન કરવામાં આવ્યાં હતાં, જ્યારે ડો. અશોક વૈદ્યને પણ રાજ્યપાલના હસ્તે રોકડ ધનરાશિ, પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિહ્ન  પ્રદાન કરવામાં આવ્યાં હતાં.

રાજ્યપાલ ઓ. પી. કોહલીએ આ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ડો. સુધીર પરીખ અને ડો. અશોક વૈદ્યને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે આ બન્ને મહાનુભાવો જનસેવક છે અને સમાજસેવા કરી રહ્યા છે તે બદલ તેમનું સન્માન કરાયું છે. આ બન્ને પ્રતિભાઓએ કર્તૃત્વ દ્વારા સમાજસેવા-જનસેવા-રાષ્ટ્રસેવા કરીને સમાજનું ઋણ અદા કર્યું છે અને ઋણ મુક્ત થયા છે, ત્યારે આપણે પણ તેમના માર્ગે ચાલીને સમાજસેવા કરીને ઋણ અદા કરવું જોઈએ.

ડો. સુધીર પરીખે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ પ્રાપ્ત કરતાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.  આ એવોર્ડ પ્રદાન થતાં હું લોર્ડ મેઘનાદ દેસાઈ, રાજમોહન ગાંધી, લોર્ડ ભીખુ પારેખ અને અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ જેવાં વ્યક્તિવિશેષોની યાદીમાં જોડાયો છું તેનો સવિશેષ આનંદ છે.

ડો. સુધીર પરીખે કહ્યું કે જ્યારે તમે ગુજરાત અને ગુજરાતીઓ વિશે વાત કરતા હો ત્યારે સૌપ્રથમ આપણને એ જ વિચાર આવે કે આ ઉદ્યોગસાહસિક પ્રજા છે અને જ્યાં ગુજરાતી પ્રજા સ્થાયી થઈ છે ત્યાં તેમની પ્રશંસા થઈ છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા રજૂ થયેલા સોવેનિયર નેશન્સ તરીકે નોંધાયેલા 190 દેશોમાંથી 129 દેશોમાં ગુજરાતીઓ સ્થાયી થયેલા છે. આ સમારંભમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્ર, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી એનઆરઆઇ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.