વિકાસનો ચહેરો રૂપાળો, તેજસ્વી અને ખુશીઓની બહાર લાવનાર હોય છે. જયારે કટ્ટરતાવાદ ને વિકાસ નામના શબ્દ સાથે જરાપણ બનતું નથી. કોઇપણ દેશ જયારે ધર્માંધ થઇ જાય ત્યારે તે કટ્ટરતાવાદની જમીન પર વટવૃક્ષ થઇ પાંગરે છે. અને અન્ય લોકોને પોતાના ધર્મના દુશ્મન સમજવા લાગે છે. અને આ માનસિકતાને કારણે જ જેહાદનો સહારો લઇ લોહીની હોળીઓ ખેલવામાં આવે છે.
ઇસ્લામનું જન્મ સ્થાન સાઉદી અરબ પણ એક સમયે આવો જ ચહેરો ધરાવતું હતું. તેણે એક સમયે આખું દુનિયામાં વહાબી ઇસ્લામનો પ્રચાર અને પ્રસાર કરાવ્યો હતો. અને તેના પીઠબળના કારણે જ કેટલીય જગ્યાએ કટ્ટરતાવાદે આંતકવાદનું રૂપ ધારણ કર્યું. અમેરિકા જેવા જગત જમાદાર પર પણ ૯/૧૧ નો હુમલો કરનારા લોકોના તાર પણ સાઉદી અરબના નાગરિકો સાથે જોડાયેલા હતા. અરે ખુદ ઓસામા બિન લાદેન પણ સાઉદી અરબ નો નાગરિક હતો. પાકિસ્તાનને પણ તેણે વર્ષોના વર્ષો સુધી આંતકીઓના આકાઓને પોષવા જંગી ભંડોળ પૂરું પાડ્યું હતું. અને પાકિસ્તાન જેવા જેહાદી પડોસી દેશે ત્રાસવાદી હુમલાઓને અંજામ આપીને ભારતના નાકે દમ લાવી દીધો હતો.
વેલ, અહી કહેવાનો આશય છે કે, એક સમયે જે દેશ કટ્ટર મજહબી વિચારધારા ધરાવતો હતો. તે અત્યારે ક્રાઉન પ્રિન્સ મોહમદ બિન સલમાન ના નેતૃત્વમાં ખૂબ ઝડપથી નવા કલેવર ધારણ કરી રહ્યો છે. જી, હા એને પણ વિકાસ નામના શબ્દનો ચસ્કો લાગ્યો છે. તેને પણ હવે જ્ઞાન લાધ્યું છે કે, દેશના નાગરિકોને એક સારું શાસન આપવું હશે તો વિકાસની સાથે નાતો જોડવો પડશે. જો, કે કોઈ ધર્મ કદાપી ખોટો કે ખરાબ હોતો નથી. કે, ના તો તે કોઇપણ વ્યક્તિને ખૂનામરકી શીખવાડે છે. પરંતુ જયારે તેનું અર્થઘટન જ ખોટું કરવામાં આવતું હોય તો તેમાં ધર્મને તો ક્યાં દોષ આપી શકાય ? કુરાને શરીફ એક અત્યંત પવિત્ર ગ્રંથ છે. અને કુરાનમાં પણ હિન્દુઓના ધર્મગ્રંથોની જેમ જે પાપ-પુણ્ય વિષે જ્ઞાન આપવામાં આવ્યું છે. તેની આયાતો ખુબ જ છણાવટભરી છે. પરંતુ ધર્મને અફીણ બનાવી પીવડાવનારા લોકો જ ધર્મને બદનામ કરતા હોય છે. અર્થાત અહી કોઈ ધર્મને ખોટો કે ખરાબ કહેવાનો કોઈ આશય નથી. ખોટી તો માનસિકતા જ હોય છે.
બાય ધ વે, મૂળ વાત પર આવીએ તો, ક્રાઉન પ્રિન્સ સલમાને હવે મોડે મોડે પણ વાસ્તવિકતા સમજી લીધી છે. તેમને ભવિષ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, તેલ એક દિવસ ખતમ થઇ જશે. જેને પગલે ધંધો-રોજગારી અને આવકમાં એકદમ કમી આવી શકે. અને અગર દેશને પાકિસ્તાનની જેમ ગરીબી કે બેકારીની ખાઈમાં ના ધકેલવો હોય તો વહેલા માં વહેલી તકે દેશ માટે નવા ધંધા- રોજગારનું સર્જન આવશ્યક છે.

જેને પગલે પ્રિન્સ સલમાને પણ દુબઈ ની રાહ પર ચાલવાના સંકેત આપ્યા છે. પ્રિન્સ સલમાને પણ દુબઈ એ જેમ દુબઈ ને મધ્યપૂર્વમાં ટુરીઝમ હબ વિકસાવ્યુ છે કૈક તેમજ સાઉદી ને પણ પર્યટકો કે બિઝનેસને આકર્ષવા દેશને બદલવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. અને આ માટે ખાસ તો પશ્ચિમી સંસ્કૃતિમાં પોતાને ઢાળવા કેટલાય ચુસ્ત નીતિ નિયમોમાં બદલાવ લાવવો પડે.

કેમ કે પર્યટકો જે તે દેશમાં મોજ-મસ્તી કરવા જતા હોય છે. ત્યારે તેઓ ટીપીકલ વાતાવરણ પસંદ ના જ કરે. અબુ ધાબી અને દુબઈમાં તમને વિદેશીઓ શોર્ટ ડ્રેસીસમાં જોવા મળી જાય છે. કેમ કે અહી પર્યટકોને આવકારવા કડક કાયદાઓમાં છૂટછાટો આપવામાં આવી છે. જો કે, તમારે અહીના કાયદાનું સમ્માન કરવું પડે છે. સાઉદીમાં પણ અત્યાર સુધી તો દેશ કે વિદેશની કોઇપણ મહિલાઓ એ બહાર નીકળતા વખતે કાળો બુરખો ધારણ કરવો પડતો હતો. અરે ખુદ ઇન્દિરા ગાંધી ત્યાં ગયા ત્યારે તેમણે પર માથું ઢાંકવું પડ્યું હતું. અને આવા ચુસ્ત વાતાવરણ નો પ્રભાવ નિવેશ પર પણ પડતો હતો.
અહી વિદેશની મહીલાઓ કોઈ કંપનીમાં કામ કરવા તૈયાર નથી. કેમ કે, અહી ઓફિસોમાં સ્ત્રીઓ માટે ટોઈલેટ નથી. અહીના મહિલાઓને ખાસ બહાર નીકળવાનો રીવાજ ના હોઈ આ સ્થિતિ પ્રવર્તે છે. જો કે, હવે બુરખા પ્રથામાં છૂટછાટ આપવામાં આવી છે. અહી પહેલી વાર સ્ત્રીઓને ગાડી ચલાવવાની અનુમતિ આપવામાં આવી છે. હવે સ્ત્રી-પુરુષ લગ્ન ના પ્રમાણપત્ર વિના એક રૂમમાં રહી શકે છે.
વધુમાં હાલ તેના એરપોર્ટ પણ જેકલીન ફર્નાન્ડીજ ની ફોટો લાગેલી જોવા મળી રહી છે. કહેવાનો મતલબ છે કે, સાઉદી એ ૨૦૩૦ નું જે વિઝન બનાવ્યું છે તેમાં તેલ પર આર્થિક નિર્ભરતા ઓછી કરવાની અને અર્થ વ્યવસ્થામાં વિવિધતા લાવવા પર ભાર મુકવામાં આવ્યો છે. અને આવા જ કારણોસર હાલ ખાડી દેશો અને ભારત દેશો વચ્ચે ઘનિષ્ટતા વધી રહી છે.

જો કે અહી ના કટ્ટરતાવાદીએ હજુ તેનો રાગ આલાપવાનું ચાલુ રાખ્યું છે. અને હોબાળો મચાવી રહ્યા છે કે, આવા પગલાઓ થી ઇસ્લામનું વિશુદ્ધિકરણ થઇ શકે છે. પરંતુ વિકાસના નવાનક્કોર સપના ઓ વચ્ચે તેમનો અવાજ દબાઈ રહ્યો છે. હા, એક સમયે આ દેશ આતંકવાદી જૂથોને ફંડ પૂરું પડતો હતો. અને પોતાના આસપાસના દેશોમાં હિંસક ટકરાવ કરવતો હતો. જેને કારણે સાઉદી આરબની છબી કટ્ટરતાવાદ, ઉગ્રવાદ અને આતંકવાદ નું પ્રતિક બની ચુકી હતી.. એક સમયે તેની દાદાગીરી પ્રવર્તી રહી હતી. પાકિસ્તાન તેના ખીલે જ કુદ્તું હતું. પરંતુ તેની આ છબીના કારણે તે દુનિયાભરમાં તે એક અછૂત રાષ્ટ્ર હતું. કોઈ અહી આવવા તૈયાર ના હતું.
પરંતુ તેણે સમયની માંગ સમજી તેનો કટ્ટરતાવાદનો વાઘા ઉતારી ફેક્યો છે. અને હવે તે પણ દુબઈ અને અબુ ધાબી ની જેમ એક સારા પર્યટક દેશ તરીકે ઉભરવા માંગે છે….વિકાસની આ ગાથા અગર સમગ્ર વિશ્વમાં ફેલાય તો ક્યાય કોઈ ત્રાસવાદી હુમલો ના થાય. ક્યાય લોહીની નદીઓ ના વહે…. બધે જ ખુશહાલી રેલાય…ખુશીઓ નું આ સુમધુર સંગીત બસ રેલાતું જ રહે..રેલાતું જ રહે. અને દુનિયા ના ખૂણે ખૂણા અજવાળે…
રીના બ્રહ્મભટ્ટ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
