World News/ હૂતી હુમલાઓ વચ્ચે સાઉદીની એર ડિફેન્સ પર વધ્યો બોજ, સહયોગીદેશો પાસે માંગી મદદ

Saudi Arabiaના મિસાઈલ ડિફેન્સ પર વધતા દબાણને કારણે તેણે ફ્રાન્સ, બ્રિટન અને પાકિસ્તાન પાસે એર ડિફેન્સ સહાયની માંગણી કરી છે. હૂથીઓ સાથેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે.

international Top Stories World Trending
Saudi Arabia

Saudi Arabia Conflict Update: યમનના હૂતી બળવાખોરો સાથે વધી રહેલા સંઘર્ષ વચ્ચે સાઉદી અરેબિયા માટે મિસાઈલ અને ડ્રોન હુમલાનો સામનો કરવો વધુ પડકારજનક બની રહ્યો છે. અહેવાલ મુજબ સાઉદી અરેબિયાએ(Saudi Arabia) ફ્રાન્સ, બ્રિટન, પાકિસ્તાન અને ઇજિપ્ત પાસે એર ડિફેન્સ સહાયની માંગ કરી છે. બે પ્રાદેશિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સાઉદી પોતાના હવાઈ સંરક્ષણ માટે વધારાની મદદ ઈચ્છે છે.

મિસાઈલ ઇન્ટરસેપ્ટરની અછત વચ્ચે મદદની માંગ

સાઉદી અરેબિયાની(Saudi Arabia) આ માંગ એવા સમયે સામે આવી છે જ્યારે તેના એર ડિફેન્સ પર સતત હુમલાઓને કારણે દબાણ વધી રહ્યું છે. અમેરિકા સાઉદીનો મુખ્ય હથિયાર સપ્લાયર છે, પરંતુ ઈરાન સાથે ચાલી રહેલા લાંબા સંઘર્ષને કારણે અમેરિકાના પોતાના મિસાઈલ ઇન્ટરસેપ્ટર સ્ટોક પર પણ દબાણ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. જોકે, સાઉદીને મદદ માટે અત્યાર સુધી કોઈ દેશે સૈન્ય તૈનાત કરવાની સત્તાવાર જાહેરાત કરી નથી.

હૂતીનો F-15 તોડી પાડવાનો દાવો

આ દરમિયાન હૂતી સૈન્ય પ્રવક્તા યાહ્યા સારીએ દાવો કર્યો કે યમનના મારિબ પ્રાંતમાં સાઉદીનું(Saudi Arabia) F-15 ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યું છે. હૂતી સંગઠને આ દાવાના સમર્થનમાં કથિત કાટમાળનો વીડિયો પણ જાહેર કર્યો છે. જોકે, સાઉદી સરકાર અથવા ગઠબંધને આ ઘટનાની પુષ્ટિ કરી નથી અને સ્વતંત્ર રીતે પણ આ દાવાની ચકાસણી થઈ નથી. થોડા સમય પહેલાં સાઉદી અરેબિયાએ મક્કાની દક્ષિણમાં હૂતી તરફથી આવેલા ડ્રોનને પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશે તે પહેલાં જ નષ્ટ કરવાનો દાવો કર્યો હતો. સાઉદી ગઠબંધને મક્કા અને બંને પવિત્ર મસ્જિદોની સુરક્ષાને ‘રેડ લાઇન’ ગણાવી છે. જોકે, હૂતી સંગઠને મક્કાને નિશાન બનાવ્યાનો આરોપ નકારી કાઢ્યો છે.

ઓઇલ સપ્લાય પર પણ વધી રહી છે અસર

હૂતી હુમલાઓ ઉપરાંત સમગ્ર પ્રદેશમાં ચાલી રહેલા સંઘર્ષની અસર સાઉદીના(Saudi Arabia) ઊર્જા માળખા અને વૈશ્વિક તેલ બજાર પર પણ પડી રહી છે. સાઉદીની આશરે 1,200 કિલોમીટર લાંબી ઈસ્ટ-વેસ્ટ ઓઇલ પાઇપલાઇનને નુકસાન થયા બાદ તેના સંચાલન પર અસર પડી છે. બીજી તરફ હોર્મુઝ જળમાર્ગમાં પણ પરિવહનને લઈને અનિશ્ચિતતા છે. આ પરિસ્થિતિ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલથી ઉપર રહ્યા છે.

યમન અને લાલ સમુદ્રમાં તણાવ વધુ ગંભીર

હૂતી અને સાઉદી સમર્થિત દળો વચ્ચેની લડાઈ ફરી તેજ બની છે. લાલ સમુદ્ર અને બાબ અલ-મંદેબ વિસ્તારમાં વધતી સૈન્ય ગતિવિધિ વૈશ્વિક શિપિંગ અને ઊર્જા પુરવઠા માટે પણ ચિંતાનો વિષય બની રહી છે. હાલ સાઉદી અરેબિયા એક તરફ પોતાની એર ડિફેન્સ ક્ષમતા મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યું છે, તો બીજી તરફ પ્રાદેશિક તણાવ ઘટાડવા માટે રાજદ્વારી પ્રયાસો પણ ચાલી રહ્યા છે.


આ પણ વાંચો:સાઉદી અરેબિયા હુથીઓ પર સીધો હુમલો કેમ નથી કરતું? હથિયારોની તાકાત છતાં અનેક પડકાર

આ પણ વાંચો: મક્કા નજીક હુતી ડ્રોન નષ્ટ, સાઉદી અરેબિયામાં સુરક્ષા એલર્ટ; પવિત્ર શહેરની સુરક્ષા વધારાઈ

આ પણ વાંચો:બાંગ્લાદેશ-ભારત સંબંધોમાં તણાવ; બાંગ્લાદેશે ભારત સાથેના કરારો તપાસવાની કવાયત કરી શરૂ