bangladesh news/ બાંગ્લાદેશ-ભારત સંબંધોમાં તણાવ; બાંગ્લાદેશે ભારત સાથેના કરારો તપાસવાની કવાયત કરી શરૂ

Bangladeshની તારિક રહેમાન સરકારે ભારત સાથેના 101 કરારોની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે અને ભારતમાં તાલીમ પામેલા અધિકારીઓની તપાસ હાથ ધરી છે.

international Top Stories World
Bangladesh

Bangladesh India Relations Update:  બાંગ્લાદેશમાં તારિક રહમાનના નેતૃત્વવાળી BNP સરકાર અને ભારત વચ્ચેના સંબંધોને લઈને મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. બાંગ્લાદેશ સરકારે અગાઉની શેખ હસીના સરકારના કાર્યકાળ દરમિયાન ભારત સાથે થયેલા 101 કરારો અને એમઓયુની સમીક્ષા શરૂ કરી છે. BNPના સંસદીય મુખ્ય વ્હિપ નુરુલ ઈસ્લામ મોનીએ જણાવ્યું છે કે આ સમીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં સામે આવી શકે છે.

101 કરારોમાં શું તપાસવામાં આવશે?

મોનીના જણાવ્યા અનુસાર, સરકાર તમામ 101 કરારોની તપાસ કરી રહી છે અને તેમાં બાંગ્લાદેશના(Bangladesh) રાષ્ટ્રીય હિત સાથે કોઈ જોગવાઈ વિસંગત જણાશે તો તેના આધારે જરૂરી પગલાં લેવામાં આવી શકે છે. જોકે, અત્યાર સુધી કોઈ ચોક્કસ કરાર રદ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. આ સમીક્ષામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વિવિધ ક્ષેત્રોના કરારો સામેલ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. સાથે જ ભારતમાંથી તાલીમ મેળવી ચૂકેલા કેટલાક બાંગ્લાદેશી અધિકારીઓની ભૂમિકા અંગે પણ સરકાર તપાસ કરી શકે છે.

ચટગાંવ અને મોંગલા બંદરોનો મુદ્દો ચર્ચામાં

BNPના નેતા નુરુલ ઈસ્લામ મોનીએ ચટગાંવ બંદર સંબંધિત વ્યવસ્થાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમના દાવા મુજબ, અગાઉના કરારો હેઠળ મિત્ર દેશના જહાજોને કેટલીક પરિસ્થિતિમાં બાંગ્લાદેશી જહાજોની સરખામણીએ પ્રાથમિકતા મળતી હતી. સરકાર હવે આવા કરારોનું રાષ્ટ્રીય હિતના દૃષ્ટિકોણથી મૂલ્યાંકન કરી રહી છે. ભારત અને બાંગ્લાદેશ(Bangladesh) વચ્ચે ચટગાંવ અને મોંગલા બંદરોના ઉપયોગને લઈને અગાઉ કરારો થયા હતા. આ વ્યવસ્થાઓનો હેતુ બંને દેશો વચ્ચે માલસામાનની અવરજવર સરળ બનાવવાનો હતો.

બાંગ્લાદેશનું કહેવું—ભારત સાથે મિત્રતા રહેશે

મહત્વની વાત એ છે કે બાંગ્લાદેશ સરકારે ભારત સાથેના સંબંધો સંપૂર્ણપણે તોડવાની વાત કરી નથી. નુરુલ ઈસ્લામ મોનીએ સ્પષ્ટ કર્યું છે કે ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવા સરકાર ઈચ્છે છે, પરંતુ દેશના રાષ્ટ્રીય હિતને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોમાં અનેક મુદ્દાઓને લઈને મતભેદ જોવા મળી રહ્યા છે. તેથી 101 કરારોની સમીક્ષાથી ભારત-બાંગ્લાદેશના(Bangladesh) વેપાર, કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહયોગ પર શું અસર પડશે, તેના પર હવે નજર રહેશે.


આ પણ વાંચો: મક્કા નજીક હુતી ડ્રોન નષ્ટ, સાઉદી અરેબિયામાં સુરક્ષા એલર્ટ; પવિત્ર શહેરની સુરક્ષા વધારાઈ

આ પણ વાંચો:સાઉદી અરેબિયા હુથીઓ પર સીધો હુમલો કેમ નથી કરતું? હથિયારોની તાકાત છતાં અનેક પડકાર

આ પણ વાંચો:ઓમાનના દરિયાકાંઠે વેપારી જહાજ પર હુમલો, 13 ભારતીય ક્રૂ સુરક્ષિત; એક નાવિક હજુ લાપતા