વરસાદ/ મેઘરાજાની ધમાકેદાર બેંટિગના લીઘે સૌરાષ્ટ્ર પાણીમાં ગરકાવ,માંગરોળ-ગીર સોમનાથમાં લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું

મેઘરાજાની ધમાકેદાર બેંટિગના લીઘે સૌરાષ્ટ્ર પાણીમાં ગરકાવ,માંગરોળ-ગીર સોમનાથમાં લોકોનું સ્થળાંતર

Top Stories Gujarat

સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ છવાયો છે. ત્યારે મેઘરાજાએ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં પાણીમાં ગરકાવ જોવા મળે છે. તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.ગુજરાતમાં બે દિવસથી  મેઘરાજા સમગ્ર સૌરાષ્ટ્રને ઘમરોળી રહ્યાં છે.  સૌરાષ્ટ્રમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને જામનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડયો હતો.જેના કારણે ઠેર-ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 147 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ સાડા 11 ઈંચ વરસાદ જૂનાગઢના માંગરોળમાં નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કેસૌરાષ્ટ્રમાં છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ જુનાગઢ જિલ્લાના માંગરોળમાં 11.5 ઈંચ, માળીયાહાટીમાં 8 ઈંચ, પોરબંદર જિલ્લાના કુતિયાણામાં 7 ઈંચ, જામનગરના જામજોધપુરમાં 7 ઇંચ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ 1 થી 4 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ પડ્યો છે.

નોંધનીય છે કે સરકારી આંકડા પર નજર નાંખીએ તો સાંજના 4 થી 6 બે કલાકમાં સૌથી વધુ પોણા 5 ઈંચ વરસાદ જામનગરના જામજોધપુરમાં નોંધાયો છે. જ્યારે સાબરકાંઠાના પ્રાંતિજમાં 3 ઈંચ, અરવલ્લીના મોડાસામાં 2.3 ઈંચ, ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં 2.2 ઈંચ, હાંસોટમાં 2.1 ઈંચ વરસાદ નોંધાયો છે.બીજી તરફ ભારે વરસાદના પગલે ગીર-સોમનાથ જિલ્લામાં NDRFની ટીમ દ્વારા 325 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જે પૈકી 90 પુરુષ, 105 સ્ત્રી અને 130 બાળકોનું સ્થળાંતર કરવામાં કરવામાં આવ્યું છે. જ્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 300 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.વાડી વિસ્તાર તેમજ માંગરોળના નીચાણવાળા વિસ્તારમાં રહેલા લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ભારે વરસાદના કારણે માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તબાહી જેવા દ્રશ્યો સર્જાયા હતા અને અનેક જગ્યાએ નદીની જેમ પાણી વહ્યા હતા.