IPLએ 14 વર્ષમાં માત્ર ખેલાડીઓને સ્ટાર જ નથી બનાવ્યા પરંતુ તેમની જિંદગી પણ બદલી નાખી છે. ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનની માલિકીની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલની હરાજીમાં એક ખેલાડી પર દાવ લગાવ્યો હતો, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ટેનિસ બોલથી ક્રિકેટમાં પોતાનું નામ બનાવનાર પંજાબના ખેલાડી રમેશ કુમારને ફ્રેન્ચાઇઝીએ 20 લાખ રૂપિયાની મૂળ કિંમતમાં ખરીદ્યો છે.
ટેનિસ બોલથી દેશના અલગ-અલગ શહેરોમાં રમતા રમેશ કુમારે થોડી કમાણી કરી હતી. હવે આઈપીએલની હરાજીમાં વેચાયા બાદ તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. તેના પિતા બીજાના જૂતા પોલીશ કરવાનું કામ કરે છે અને માતા ગામડે ગામડે બંગડીઓ વેચે છે. રમેશે જણાવ્યું કે અગાઉ પણ તેણે માતા-પિતાને આ નોકરી છોડી દેવા માટે કહ્યું હતું, પરંતુ પછી તેઓ રાજી ન થયા. હવે આઈપીએલમાં બોલી લગાવ્યા બાદ તેણે મારી વાત માની લીધી છે.
રમેશ ટેનિસ બોલ ક્રિકેટમાં ‘નારાયણ જલાલાબાદ’ તરીકે પ્રખ્યાત છે. તે તેની બેટિંગ માટે યુટ્યુબ પર ખૂબ જ પ્રખ્યાત છે. પોતાની જ્વલંત બેટિંગ માટે જાણીતા રમેશે મીડિયા વાત કરતા કહ્યું કે, પહેલા માતા-પિતા તેમનું કામ છોડવા તૈયાર નહોતા. હું તેમને આ કામ કરતા જોઇ શકતો ન હતો. તેઓ મજબૂરીમાં આ કામ કરતા હતા. પરંતુ મને ખુશી છે કે હવે તેઓને આ કામ નહીં કરવું પડે.
હરાજીમાં બોલી લગાવ્યા બાદ રમેશને સતત ફોન આવી રહ્યા છે. આમ છતાં તેના પગ જમીન પર છે. તેણે કહ્યું છે કે તેને આઈપીએલમાંથી જે પૈસા મળશે તેનાથી તે નાના ભાઈઓને ભણાવશે. તેનું માનવું છે કે વાસ્તવિક જીવનમાં જીવન ત્યારે જ બદલાશે જ્યારે તે IPLમાં વધુ સારું પ્રદર્શન કરી શકશે. ગયા વર્ષે રમેશે લેધર બોલથી રમવાનું શરૂ કર્યું હતું. જિલ્લા સ્તરે સારું પ્રદર્શન કર્યા બાદ તેને પંજાબની ટીમના રણજી ટ્રોફી કેમ્પમાં બોલાવવામાં આવ્યો છે.
રમેશે જણાવ્યું કે IPLમાં નિયમિત રમતા ગુરકીરત સિંહ માનએ તેમને ઘણી મદદ કરી. ગુરકીરત જ તેને મુંબઈમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટ્રાયલ માટે લઈ ગયો હતો. ત્યાં નાઈટ રાઈડર્સના કોચ અભિષેક નાયર તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ પછી ટીમે તેને હરાજીમાં ખરીદ્યો.
