લખીમપુર ખીરીમાં 3 ઓકટોબરે થાર કાર દ્વારા ખેડૂતોને કચડી નાંખ્યા હતો આ મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. આ કેસમાં ફોરેન્સિક લેબના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હિંસા દરમિયાન જે ફાયરિંગ થયું હતું તે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાના હથિયારથી થયું હતું. સુપ્રીમ કોર્ટે તપાસ ટીમ પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે એક ખાસ વ્યક્તિને બચાવવાનો મામલો છે. આ હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા.
એએસપી અરુણ કુમાર સિંહે કહ્યું કે કેસ સાથે જોડાયેલા પુરાવાના અહેવાલો, જે તપાસ માટે મોકલવામાં આવ્યા હતા,તેના રિપોર્ટ આવી રહ્યા છે જેના આધારે આગળની તપાસ કરવામાં આવશે.
સોમવારે સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી કરતા આકરી ટીપ્પણી કરી હતી અને કહ્યું હતું કે લખીમપુર ખીરી હિંસા મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસની દેખરેખ માટે યુપી સરકાર દ્વારા રચવામાં આવેલા ન્યાયિક પંચ પર તેમને વિશ્વાસ નથી. કોર્ટે SIT તપાસના સ્ટેટસ રિપોર્ટ પર પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તપાસમાં સ્વતંત્રતા અને નિષ્પક્ષતા માટે, અન્ય રાજ્યની હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા દેખરેખ થવી જોઈએ. આ મામલે આગામી સુનાવણી 12 નવેમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે.
