હિન્દુ ધર્મમાં પૂજા વિધિમાં ચરણામૃતનો ઉપયોગ થાય છે. પૂજા સમાપ્ત થયા બાદ પ્રસાદ સ્વરૂપે ચરણામૃત આપવામાં આવે છે. તમે પણ ઘણી વખત ચરણામૃતનું સેવન કર્યું જ હશે. તો આવો જાણીએ આ ચરણામૃત શું છે અને પૂજામાં તેનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે. ચરણામૃતનો અર્થ પગનું અમૃત છે. એવું કહેવામાં આવે છે કે ભગવાનના પગનું અમૃત ફક્ત ભાગ્યશાળીને જ મળે છે.

ચરણામૃતનો ઉપયોગ વ્યક્તિના જીવનમાં સકારાત્મકતા લાવે છે. નકારાત્મક લાગણીઓ જીવનમાંથી દૂર થાય છે. સકારાત્મકતાના આગમન સાથે, વ્યક્તિ નવા ઉત્સાહથી તેના ભવિષ્યમાં નવા લક્ષ્યો હાંસલ કરવાનું શરૂ કરે છે. ચરણામૃત ગ્રહણ કરતી વ્યક્તિ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
ચરણામૃત હંમેશાં જમણા હાથથી લેવું જોઈએ. ચરણામૃત હમેશા તાંબા અથવા માટીના વાસણમાં બનાવવામાં આવે છે. તેમાં ઠંડુ પાણી, તલ, દહીં, તુલસીના પાન અને અન્ય ઔષધીય ઘટકો ઉમેરવામાં આવે છે. જ્યારે તાંબામાં રાખવામાં આવે છે, ત્યારે તેના પોષક તત્વો ચરણામૃતમાં ભળે છે. આમ, ચરણામૃતનું સેવન આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારું છે.
શાસ્ત્રોમાં જણાવેલ છે કે-
अकालमृत्युहरणं सर्वव्याधिविनाशनम्।विष्णो: पादोदकं पीत्वा पुनर्जन्म न विद्यते ।।
અર્થાત: ભગવાન વિષ્ણુના ચરણનું અમૃત રૂપી જળ સમસ્ત પાપ-વ્યાધિઓનું શમન કરનાર છે તેમજ ઔષધી સમાન છે.

ઇશ્વરના ચરણોનું અમૃત:-
પૌરાણિક માન્યતાઓ મુજબ જે વ્યક્તિ ઈશ્વરના ચરણોનું અમૃત પાન કરે છે તેમનો પુનઃ જન્મ નથી થતો. જળ ત્યાં સુધી ફક્ત જળ જ રહે છે જ્યાં સુધી તે ભગવાનના ચરણ સ્પર્શ ના કરે. ભગવાનના ચરણ નો સ્પર્શ મળતાજ તે જળ અમૃતના સ્વરૂપમાં ચરણામૃત બની જાય છે.
ચરણામૃતની કથા:-
જયારે ભગવાનનો વામન અવતાર થયો હતો અને તે રાજા બલીની યજ્ઞ શાળામાં દાન લેવા માટે ગયા ત્યારે તેમણે ત્રણ જ પગલામાં ત્રણે લોક માપી લીધા હતા. તેમણે એક પગ માં ધરતી માપી લીધી હતી અને બીજા પગમાં આખું આકાશ માપી લીધું હતું. જયારે બ્રહ્મલોક માપવા પગ ઉપર ગયો ત્યારે બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી પાણી નાખી ભગવાનના પગ ધોયા અને પાછું એ ચરણામૃત પોતાના કમંડળમાં ભરી લીધું. અને એજ ચરણામૃત ગંગા બની ગઈ, જે આજે પણ આખી દુનિયાના પાપ ધોવે છે.
