Bhavnagar News: ભાવનગર જિલ્લાના સિહોર શહેર અને નજીકના ધાંધળી ગામમાં ઔદ્યોગિક પ્રદૂષણ (Industrial Pollution)નો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ વિસ્તારની કેટલીક રી-રોલિંગ મિલોમાંથી રાત્રિના સમયે કાળા ધુમાડાનું મોટા પ્રમાણમાં ઉત્સર્જન કરવામાં આવે છે, જેના કારણે હવા પ્રદૂષિત બની રહી છે અને ઘરો તેમજ વાહનો પર કાળી રાખની પરત જમા થઈ રહી છે.
સ્થાનિકોનું કહેવું છે કે લાંબા સમયથી આ સમસ્યા યથાવત હોવા છતાં અસરકારક કાર્યવાહી થતી ન હોવાનું અનુભવાઈ રહ્યું છે. જેના કારણે હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની કામગીરી અને દેખરેખ સામે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જો પ્રદૂષણ નિયંત્રણ માટે નિયમો અમલમાં હોય, તો પછી વારંવાર આવી ફરિયાદો કેમ સામે આવે છે? તેવો સવાલ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
Industrial Pollution: ગ્રામ પંચાયતે GPCB સહિત તંત્રને કરી રજૂઆત
ધાંધળી ગ્રામ પંચાયતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) સહિત સંબંધિત વિભાગોને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં ઝેરી ધુમાડા અને કેમિકલયુક્ત પાણીના નિકાલ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરીને સ્થળ પર તપાસ કરવા, પ્રદૂષણ (Industrial Pollution) ફેલાવતા એકમો સામે કડક કાર્યવાહી કરવા અને પર્યાવરણના નિયમોનું કડક પાલન કરાવવાની માંગ કરવામાં આવી છે.
આરોગ્ય અને પર્યાવરણ અંગે વધી રહી છે ચિંતા
સ્થાનિકોનું કહેવું છે કે હવામાં ફેલાતા ધુમાડા અને રાખના કારણે શ્વાસ સંબંધિત તેમજ અન્ય આરોગ્ય સમસ્યાઓ સર્જાવાની ભીતિ છે. સાથે જ ખેતી અને પર્યાવરણ પર પણ તેની અસર થઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.હવે સ્થાનિકોની માંગ છે કે માત્ર રજૂઆતો સુધી મર્યાદિત ન રહી સંબંધિત તંત્ર અને GPCB તાત્કાલિક સ્થળ તપાસ કરીને જવાબદાર સામે કડક કાર્યવાહી કરે અને પ્રદૂષણ (Industrial Pollution) પર અસરકારક નિયંત્રણ લાવે.
આ પણ વાંચો:વિકાસ કે વહીવટી બેદરકારી? ભાવનગર-ગીર સોમનાથમાં કરોડોના કામો સામે વિરોધનો સૂર
આ પણ વાંચો:બાવળા-ચાંગોદર હાઇવે પર ફીણવાળું શંકાસ્પદ પાણી, કેમિકલ પ્રદૂષણની આશંકા વચ્ચે સ્થાનિકોમાં રોષ
