Not Set/ બોલ ટેમ્પરિંગ વિવાદ : સ્મિથ બાદ ટીમના કોચ લેહમેનની પણ થઇ શકે છે બાદબાકી

જોહનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન સામે આવેલા બોલ ટેમ્પરિંગના વિવાદને લઇ ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડી સ્ટિવન સ્મિથ પર ગાજ મુકવામાં આવી ચુકી છે. ત્યારે હવે ટીમના હેડ કોચ ડેરેન લેહમેનને પણ પોતાનું પદ છોડવું પડી શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા બોલ ટેમ્પરિંગના વિવાદને લઇ દક્ષિણ આફ્રિકામાં એક બેઠક બોલાવવામાં આવી છે, જેમાં […]

Sports

જોહનિસબર્ગ,

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન સામે આવેલા બોલ ટેમ્પરિંગના વિવાદને લઇ ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડી સ્ટિવન સ્મિથ પર ગાજ મુકવામાં આવી ચુકી છે. ત્યારે હવે ટીમના હેડ કોચ ડેરેન લેહમેનને પણ પોતાનું પદ છોડવું પડી શકે છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા બોલ ટેમ્પરિંગના વિવાદને લઇ દક્ષિણ આફ્રિકામાં એક બેઠક બોલાવવામાં આવી છે, જેમાં ટીમના કોચ ડેરેન લેહમેન અને સ્ટિવન સ્મિથના ભવિષ્ય વિષે નિર્ણય લેવામાં આવી શકે છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ જેમ્સ સધરલૈંડ પર આ મુદ્દે નિર્ણય કરવા માટે ભારે દબાણ છે. કારણ કે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી આ ઘટનાને શરમજનક ગણાવી ચુક્યા છે તેમજ ઓસ્ટ્રેલિયાના મીડિયા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે, કાંગારું ટીમે દેશની સંસ્કૃતિને બદનામ કરી છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ મંગળવારે જોહનિસબર્ગ પહોચશે અને ત્યાં તેઓ ICCની આચારસંહિતા સબંધિત સમિતિના પ્રમુખ ઇયાન રોય સાથે બેઠક યોજશે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સ્મિથ અને વાઈસ -કેપ્ટન ડેવિડ વોર્નર પર ૧૨ મહિના સુધી પ્રતિબંધ લાદીને તેઓને સ્વદેશ પરત મોકલી આપવામાં આવી શકે છે.

આ પહેલા ICC દ્વારા પહેલેથી જ કાંગારું ખેલાડી સ્ટિવન સ્મિથને એક ટેસ્ટ મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવી ચુક્યો છે તેમજ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા પણ સ્મિથને ટીમના કેપ્ટનપદેથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ડેરેન લેહમેન ૨૦૧૩માં મિકી ઓર્થરની જગ્યાએ ઓસ્ટ્રેલિયન ટીમના હેડ કોચ તરીકે નિમણુક કરવામાં આવી હતી. ત્યારે આ પદેથી હટાવ્યા બાદ લેહમેનની જગ્યાએ જસ્ટિન લેંગરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે તેમજ આ સ્થાન માટે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિગનું નામ પણ ચર્ચામાં છે.

મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન કાંગારું ઓપનર બેન્ક્રોફ્ટને મેચ દરમિયાન પોતાના પેન્ટમાંથી કોઈ પીડા રંગની એક વસ્તુ નીકળતો જોવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ સામે આવેલા વિડીયોમાં જોવામાં આવ્યું હતું કે, બેન્ક્રોફ્ટ બોલ પર કઈક વસ્તું લગાવી રહ્યો છે અને ફરીથી પોતાના ખિસ્સામાં રાખી રહ્યો છે.

આ વિવાદ બાદ અનેક સવાલો ઉભા થયા હતા પરંતુ કાંગારું કેપ્ટન સ્ટીવન સ્મિથે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “બોલ ટેમ્પરિંગ એ તેમની ટીમના ગેમ પ્લાનનો એક હિસ્સો છે અને આ નિર્ણયમાં ટીમના લીડરશીપ ગુરુ પણ સમાવિષ્ટ હતા”.