India Pakistan Hockey World Cup 2026: હોકીના મહામુકાબલામાં ભારતે પાકિસ્તાનને 5-3થી હરાવીને (India Beat Pakistan) FIH મેન્સ હોકી વર્લ્ડકપ 2026માં શાનદાર જીત નોંધાવી છે. નેધરલેન્ડના એમ્સ્ટેલવીન સ્થિત વાગેનર સ્ટેડિયમમાં રમાયેલી પૂલ-Dની આ મેચ સાથે બંને ટીમો 16 વર્ષ બાદ હોકી વર્લ્ડકપમાં આમને-સામને આવી હતી. આ જીત સાથે ભારતે આગળના રાઉન્ડમાં સ્થાન મેળવ્યું, જ્યારે પાકિસ્તાનની વર્લ્ડકપ સફર પૂરી થઈ ગઈ.
16 વર્ષ બાદ વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનનો મુકાબલો
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી હોકી વર્લ્ડકપ મેચ 2010માં દિલ્હીમાં રમાઈ હતી, જેમાં ભારતે 4-1થી જીત મેળવી હતી. હવે 2026ના વર્લ્ડકપમાં ફરી એકવાર બંને કટ્ટર હરીફો આમને-સામને આવ્યા અને આ વખતે પણ ભારતે જીતનો સિલસિલો જાળવી રાખ્યો.
India Beat Pakistan : પ્રથમ ક્વાર્ટરમાં ભારતે બનાવી 2-0ની લીડ
મેચની શરૂઆતથી જ ભારતીય ટીમે આક્રમક રમત દેખાડી હતી. કેપ્ટન હરમનપ્રીત સિંહે (Harmanpreet Singh) 5મી મિનિટે પેનલ્ટી કોર્નર પરથી ગોલ કરીને ભારતને લીડ અપાવી હતી. ત્યારબાદ 11મી મિનિટે અભિષેકે (Abhishek Hockey) ગોલ કરીને ભારતની સરસાઈ 2-0 કરી દીધી હતી.
બીજા ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર
બીજા ક્વાર્ટરમાં ગોલનો વરસાદ જોવા મળ્યો હતો. હરમનપ્રીત સિંહે 21મી મિનિટે પોતાનો બીજો ગોલ કર્યો, જ્યારે અભિષેકે 24મી મિનિટે ગોલ કરીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું. પાકિસ્તાન તરફથી હન્નાન શાહિદે બે ગોલ કર્યા અને સુફિયાન ખાને એક ગોલ કરીને ટીમને મેચમાં ટકાવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ હાફ બાદ ભારત 4-2થી આગળ હતું.
હાર્દિક સિંહે કર્યો નિર્ણાયક પાંચમો ગોલ
ત્રીજા ક્વાર્ટરમાં ભારતે પોતાની પકડ વધુ મજબૂત કરી હતી. હાર્દિક સિંહે 35મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં ફેરવીને ભારતની સરસાઈ 5-2 કરી હતી. પાકિસ્તાનને આ ક્વાર્ટરમાં કોઈ ગોલ મળ્યો નહોતો.
અંતિમ ક્વાર્ટરમાં પાકિસ્તાનનો એક ગોલ, પરંતુ ભારતની જીત યથાવત્
ચોથા ક્વાર્ટરમાં પાકિસ્તાન તરફથી હન્નાન શાહિદે વધુ એક ગોલ કરીને સ્કોર 5-3 કર્યો હતો. જોકે, ભારતે બાકીના સમયમાં પાકિસ્તાનને વધુ ગોલ કરવાની તક આપી નહીં અને મેચ પોતાના નામે કરી લીધી.
ભારત આગળના રાઉન્ડમાં, પાકિસ્તાન વર્લ્ડકપમાંથી બહાર
5-3ની આ મહત્વપૂર્ણ જીત સાથે ભારતે પૂલ-Dમાંથી આગળના રાઉન્ડમાં સ્થાન મેળવી લીધું છે. પાકિસ્તાન ત્રણ મેચમાં જીત નોંધાવી શક્યું નહીં અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું. હરમનપ્રીત સિંહ અને અભિષેકના બે-બે ગોલ ભારતની જીતમાં સૌથી મહત્વપૂર્ણ રહ્યા.
કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પરથી બે ગોલ કરીને ટીમને શરૂઆતમાં મજબૂત લીડ (India Hockey Team) અપાવી, જ્યારે અભિષેકે પણ બે ગોલ સાથે ભારતના હુમલાને ધાર આપી. હાર્દિક સિંહના ગોલે ભારતની જીતને વધુ મજબૂત બનાવી હતી.
આ પણ વાંચો: IND vs SL: ઋષભ પંતે ગૉલ ટેસ્ટમાં રચ્યો ઇતિહાસ, 100 ટેસ્ટ સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય
આ પણ વાંચો: Arjuna Award 2026: 17 ખેલાડીઓનું સન્માન, એક પણ ક્રિકેટર નહીં!
આ પણ વાંચો: ગૉલ ટેસ્ટમાં શ્રીલંકાને શરૂઆતમાં જ ઝટકા, ચંદીમલ અને નિરોશન સસ્તામાં આઉટ; ભારતનો સ્કોર 462 રન
