Lifestyle: રસોઇ કરતા જો ભાત વધ્યા હોય તો એમાં ડુંગળી મિક્સ કરીને તમે કરારા પરોઠા બનાવી શકો છો. શૅફ સ્ટાઇલમાં તમે ભાત-ડુંગળીના ક્રિસ્પી પરોઠા (Onion-Rice Paratha Recipe) બનાવી શકો છો, જેને ખાધા પછી તો બાળકો વારંવાર તમારી પાસે એ બનાવવાની ફરમાઇશ કરશે! તો ચાલો તમને એની રેસિપી જણાવી દઇએ…
ડિનર કે લંચમાં જો ભાત વધે તો કેટલાક લોકો એને કચરાપેટીમાં ફેંકી દે છે અથવા તો એમાંથી ફ્રાઇડ રાઇસ (Fried Rice) બનાવે છે…પરંતુ જો તમે આ વધેલા ભાત માંથી બનેલા રાઇસની રેસિપી (Leftover Rice Recipe) ખાઇને બોર થઇ ગયા હો તો એક નવીન તરેહનો નાસ્તો (Breakfast) બનાવી શકો છો! શૅફ સ્ટાઇલમાં તમે કાંદા-ભાતના ક્રિસ્પી પરોઠા બનાવી શકો છો, આ પરોઠા ખાવામાં તદ્દન સ્વાદિષ્ટ લાગે છે અને આ વાનગી બનાવવી પણ સરળ છે.
સવાર-સવારમાં કિચનના કામકાજની દોડાદોડીમાં સમય ઓછો મળતો હોય છે અને એવામાં ફટાફટ નાસ્તો બની જાય તો એવી રેસિપી ગૃહિણી હોય કે વર્કિંગ વુમન, બધાની પ્રિય બની જાય છે. કોઇ પણ સિઝનમાં બ્રેકફાસ્ટ કે ડિનર (Breakfast or Dinner)માં સૌથી વધારે મજા જુદી-જુદી જાતના પરોઠા ખાઇને આવે છે. જેમ કે, આલુ પરોઠા, કોબીજ પરોઠા, મૂળાના પરોઠા, મેથી પરોઠા…આવી જ એક રેસિપી (Recipe) અમે તમારા માટે લઇને આવ્યા છીએ, અને એ છે ભાત-ડુંગળીના ક્રિસ્પી પરોઠા…
બ્રેકફાસ્ટમાં ઉપમા તથા પૌંઆ ખાઇ-ખાઇને તમે કંટાળી ગયા હો તો હવે વધેલા ભાત અને ડુંગળી મિક્સ કરીને એના ટેસ્ટી-ટેસ્ટી પરોઠા (Stuff Paratha) બનાવો. ચા સાથે તો એ અત્યંત મજેદાર લાગે છે અને આ મસ્ત મજાની વાનગી બનાવવાની રીત વિશે જાણીએ વિસ્તૃતપણે…
શી રીતે બનાવશો ભાત-ડુંગળીના પરોઠા? (How to Make Onion-Rice Paratha Recipe)
કાંદા-ભાતના પરોઠા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1.5 કપ ઘઉંનો લોટ
2 મોટી ચમચી ઘી
સ્વાદાનુસાર મીઠું
3/4 કપ અથવા જરુર મુજબ પાણી
શેકવા માટે ઘી
અટામણ
સ્ટફિંગ માટે સામગ્રી (Stuffing Ingredients)
3/4 કપ રાંધેલા ભાત
1 મોટી ડુંગળી
2 લીલા મરચાં
2 ચમચા સમારેલી કોથમીર
1/2 નાની ચમચી લાલ મરચા પાવડર
1/4 નાની ચમચી અજમો
સ્વાદાનુસાર મીઠું

બનાવવાની વિધિ
કાંદા-ભાતના પરોઠા (Onion-Rice Paratha) બનાવવા માટે તમારે આટલા સ્ટેપ ફૉલો કરવા પડશે.
1. સૌપ્રથમ લોટ બાંધવો. જે માટે તમારે એક કથરોટમાં ઘઉંનો લોટ, 2 મોટી ચમચી ઘી અને મીઠું (Salt) ઉમેરવું.
2. ધીમે-ધીમે પાણી રેડતા જઇને નરમ લોટ બાંધી લેવો અને એને ભીના કપડાથી ઢાંકીને લગભગ 10-15 મિનિટ સુધી રાખી મૂકવો.
3. હવે સ્ટફિંગ તૈયાર કરી લેવું. આ માટે ડુંગળી અને લીલા મરચાંને બારીક સમારી લેવા.
4. એક બાઉલમાં વધેલા ભાત, ડુંગળી, લીલા મરચાં. લાલ મરચું, અજમો, સમારેલી કોથમીર અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.
5. હવે લોટને કેળવી લઇને એમાંથી સપ્રમાણ લુવા બનાવી લેવા. એક લુવાને વચ્ચેછી હળવું દબાવીને એમાં કાંદા-ભાતનું સ્ટફિંગ ભરી લેવું અને કિનારીઓને વાળતા જઈને સારી રીતે બંધ કરી લેવું.
6. હાથ વડે થપથપાવીને અટામણની મદદથી હળવે હાથે વણતા જઇને પરોઠું વણી લેવું.
7. ગરમ તવી કે નૉન સ્ટિક પર પરોઠાને બંને તરફથી 2-3 મિનિટ સુધી શેકી લેવું.
8. પછી પલટાવીને એની ઉપર ઘી લગાવી લેવું અને ફરીથી 2-3 મિનિટ મધ્યમ તાપે સોનેરી રંગ આવે ત્યાં સુધી શેકી લેવું.
9. આ જ પ્રમાણે અન્ય પરોઠા પણ શેકી લેવા.
તો તૈયાર છે તમારા ગરમાગરમ કાંદા-ભાતના પરોઠા! આ પરોઠાને પ્લેટમાં ખાટા-મીઠ્ઠા અથાણા, દહીં, ચા, કેચ અપ અથવા તો તમારી મનપસંદ ચટણી (Chutney) સાથે સર્વ કરો. આ ગરમાગરમ પરોઠાને બટર લગાવીને સર્વ કરો. બાળકોને પણ લંચબોક્સમાં તમે આ ટેસ્ટી અને પોષણસભર પરોઠા ભરીને આપી શકો છો. તમારા ધરે મહેમાનો આવવાના હોય ત્યારે તમે એ બનાવીને સરસ મજાનું ડિનર રેડી કરી શકો છો.
આ પણ વાંચો: ડિનરમાં ભાત ખાવા કે પછી ઘઉંની રોટલી? સ્વાસ્થ્ય અને ગાઢ નિંદ્રા માટે શું યોગ્ય છે જાણો…
આ પણ વાંચો: ફૂલેલી, નરમ, પાતળી રોટલી કોને ખાવી ન ગમે? લોટ બાંધવાથી શેકવા સુધીની રોટી મેકિંગ રેસિપી ટિપ્સ..!
આ પણ વાંચો: જો તમને વાસી રોટલી ખાવાના 5 ફાયદા ખબર હોય, તો તમે પણ રાત્રે ઘણી બધી રોટલી બનાવશો!
