Lifestyle: ભારતીય પરંપરાગત થાળી (Indian Thali)માં રોટલી વિના ચાલતુ નથી હોતુ! નરમ રોટલી ( Soft Roti or Chapati), પૂરી, થેપલાં, નાન, પરોઠા વગેરે વિના તો થાળી અધૂરી લાગે છે. ચાહે ઉત્તર ભારત હોય કે દક્ષિણ ભારત, પંજાબી ખાણું હોય કે પછી ગુજરાતી…શાક કે દાળ સાથે એનો નાતો હંમેશાનો છે! સમગ્ર ભારતમાં કેટલાય પ્રકારની રોટલી જોવા મળે છે અને ઘણા લોકોના ઘરમાં લંચ અને ડિનર (Lunch or Dinner), બંનેમાંથી એક સમયે તો રોટલી અવશ્ય બનતી જોવા મળે છે! અહિં અમે તમને સરસ મજાની, તમારી માતા બનાવે છે એવી રોટલી બનાવવાની અમુક ટિપ્સ (Roti Making Recipe Tips) જણાવવા જઇ રહ્યાં છીએ જેને ફૉલો કરીને તમે પણ મમ્મીના હાથની બનેલી રોટલીનો આસ્વાદ માણી શકો છો!

મમ્મી જેવી રોટલી કેમ નથી બનતી?
રોટલી બનાવવાનું કાર્ય કોઇ કઠિન કાર્ય નથી પણ મોટા ભાગની વ્યક્તિઓને પૂછો કે, “રોટલી બનાવતા આવડે છે?” તો એમનો જવાબ હશે, “આવડે તો છે પણ ગોળ અને મમ્મી જેવી મસ્ત નથી બનતી!” જો કે, આનો એ અર્થ નથી કે રોટલી બનાવવી અઘરી હોય છે પણ આ અનુભવની વાત છે અને રોટલી (Soft Roti) બનાવવાની હથોટી ધીરે-ધીરે ઉચિત પદ્ધતિ અને અનુભવથી આવે છે! જો તમે પણ નરમ, ગોળ, ફૂલેલી અને પાતળી રોટલી બનાવવા ઇચ્છતા હો તો તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું જ રહ્યું!
ભારતીય ભોજનનો કેન્દ્રવર્તી ભાગ છે રોટલી
ઘઉંના લોટમાંથી બનતી રોટલી એ ભારતીય ભોજનનો કેન્દ્રવર્તી ભાગ છે, કારણ કે, ગમે તેટલા સરસ મજાના શાક, દાળ, રાયતા, છાશ, કઢી કે અથાણાં હોય પણ એ ખાવા માટે સાથે રોટલી અનિવાર્ય છે. ઘઉંના લોટ ઉપરાંત, બેસન, મેંદો કે મલ્ટીગ્રેઇન લોટ જેવા અન્ય લોટને ભેળવીને પણ રોટલી બનાવી શકાય છે. રોટલી પ્રોટીન, ફાઇબર તથા વિટામિન્સ (Protein, Fiber, Vitamins)થી ભરપૂર હોય છે.
રોટલીને લાંબા સમય સુધી નરમ રાખવા માટે (Soft Roti) લોટ બાંધવાની યોગ્ય રીત અને શેકવાની પદ્ધતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ગરમ-ગરમ રોટલી તો કદાચ ખાઇ શકાય છે પણ ઘણી વાર લંચ બોક્સમાં લઇ જવાતી ઠંડી રોટલી ખાવામાં ચવ્વડ લાગે છે અને એને તોડીને ચાવવામાં પણ તકલીફ પડે છે. વળી, જો ઘરમાં વડીલવર્ગ કે નાના બાળકો (Elders or Children) હોય એમને પણ સૉફ્ટ રોટલી (Soft Roti) જ વધારે અનુકૂળ આવે છે.

નરમ રોટલી બનાવવાની ટિપ્સ (Soft Roti Making Tips)
1. મુલાયમ રોટલી બનાવવા લોટને સરસ ગૂંથવો
ફૂલેલી, નરમ અને પાતળી રોટલી (Soft Roti) બનાવવા માટે જરુરી છે કે લોટને યોગ્ય રીતે ગૂંથવો! જ્યારે પણ આપણે લોટ બાંધીએ ત્યારે એમાં ગ્લૂટન બનવા લાગે છે. આનાથી જ લોટમાં ઇલાસ્ટિસિટી આવે છે અને આવા લોટથી જ રોટલી ફૂલેલી અને મુલાયમ બનશે. જો તમે સૉફ્ટ રોટલી (Soft Roti) ઇચ્છો છો તો આશરે 8 થી 10 મિનિટ સુધી લોટ ગૂંથવો. આમ કરવાથી લોટ સરસ સૉફ્ટ બની જશે.
2. થોડું દૂધ, ઘી કે તેલ ઉમેરો
લોટ બાંધતી વખતે તમે એમાં થોડુંક નવશેકું દૂધ (Warm Milk) અને ઘી કે તેલ (Ghee or Oil)નું મોણ પણ ઉમેરી શકો છો. દૂધમાં હાજર પ્રોટીન ભેજને જાળવી રાખે છે. તેલ અથવા ઘી ઉમેરવાથી લોટ ઝડપથી કઠણ થતો નથી. આ ઉપરાંત, તે ઘણા કલાકો સુધી લોટ સૂકાતો પણ નથી.
3. લોટ બાંધ્યા પછી એને ભીના કપડાથી ઢાંકી દો
એક વાત હંમેશાં યાદ રાખવી કે, લોટ બાંધીને તરત જ એની રોટલી ન બનાવવી જોઇએ. એને લગભગ 20 થી 30 મિનિટનો રેસ્ટ આપવો. લોટને ભીના કોટન કપડાંથી ઢાંકી રાખવો અથવા તો કોઇ ફિટ બેસે એવા બાઉલથી ઢાંકવો. આમ કરવાથી ગ્લૂટેન (Gluten) સારી રીતે રિલીઝ થાય છે. આ પછી જ રોટલી બનાવવી. આમ કરશો તો રોટલી ચોક્કસ નરમ (Soft Roti) બનશે.

4. હળવા ગરમ પાણીથી લોટ બાંધવો
જો તમે ઠંડાની જગ્યાએ હળવા ગરમ પાણીથી લોટ (Dough) બાંધશો તો એમાંથી બનાવેલી રોટલી લાંબા સમય પછી પણ નરમ રહેશે.
5. રોટલી વણતા ધ્યાન રાખો
રોટલીને વણતી વખતે હળવા હાથે વેલણ ફેરવવું જોઇએ. આરામથી વણો અને વણતી વખતે વેલણ ટાઇટ ન પકડવું. આમ કરવાથી પાતળી એકસરખી રોટલી બનશે અને સારી રીતે ફૂલશે. આનો ફાયદો એ પણ છે કે એ ઝડપથી શેકાઇ જાય છે.
6. તવાને ગરમ થવા દો
તવો (Roti Pen) ઠંડો હોય ત્યારે એના પર ક્યારેય રોટલી ન નાખવી જોઇએ. પહેલા ચેક કરી લો કે તવી ગરમ છે અને પછી જ રોટલીને શેકવાનું શરુ કરો. રોટલીને સરખી રીતે શેકાય, ફૂલે અને નરમ બને એ માટે હંમેશા ગરમ તવાનો ઉપયોગ કરવો જોઇએ. એ ઠંડો હોય ત્યારે એની પર રોટલી નાખીને પછી ગરમ થવા દેશો તો તમારી રોટલી સૂકી અને સખત બનશે.
7. રોટલી પલટાવતી વખતે આ ભૂલ ન કરવી
રોટલીને તવા પર સમયસર ઊલટાવવી. જ્યારે તમારી રોટલીની સપાટી પર સહેજ ફૂલેલા હિસ્સા દેખાવા લાગે કે તરત જ એને બીજી બાજુએ ફેરવી દેવી. પછી એને સારી રીતે એ તરફ શેકાવા દઇને પછી ચિપિયાની મદદથી પલટાવીને ગૅસ પર કે તવા પર શેકાવા દેવી. આમ કરવાથી તમારી રોટલી તદ્દન દડા જેવી ફૂલી જશે!
8. રોટલી સ્ટોર કરવાની યોગ્ય રીત
રોટલી સ્ટોર (Store) કરવા માટે એને એક સ્વચ્છ કપડાથી ઢાંકીને ગરમાની અંદર અથવા કન્ટેનરમાં મૂકવી. કપડામાં વીંટાળીને રાખવાથી એની વરાળ જળવાઇ રહે છે અને રોટલીને એ નરમ (Soft Roti) રાખે છે. હવામાં રાખવાથી એ સૂકાઇ જવાની શક્યતા વધુ રહે છે.
તો તૈયાર છે તમારી નરમ-નરમ, ફૂલેલી દડા જેવી રોટલી…જે લાંબા સમય સુધી સૉફ્ટ બની રહેશે.
આ પણ વાંચો: ડિનરમાં ભાત ખાવા કે પછી ઘઉંની રોટલી? સ્વાસ્થ્ય અને ગાઢ નિંદ્રા માટે શું યોગ્ય છે જાણો…
આ પણ વાંચો: મસ્ત વઘારવાળી કઢી બનાવો, આ રેસિપીથી!…બધા આંગળા ચાટી જશે!
આ પણ વાંચો: જો તમને વાસી રોટલી ખાવાના 5 ફાયદા ખબર હોય, તો તમે પણ રાત્રે ઘણી બધી રોટલી બનાવશો!
