અમદાવાદ: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) સામે સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લા ક્રિકેટ એસોસિએશન જંગે ચડયા છે. આ એસોસિએશનો દ્વારા કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (સીઓએ) વિનોદ રાય સાથે મુલાકાત કરી સળગતાં આઠ પ્રશ્નોના મામલે ચર્ચા કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા 17 પૈકીના 12 ક્રિકેટ એસો. દ્વારા એસસીએ (SCA) સામે લડતના મંડાણ શરૂ કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છ ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા વિવિધ 10 પ્રશ્નો સંદર્ભેને એક વિસ્તૃત પત્ર બીસીસીઆઈને લખવામાં આવ્યો છે.
આ પત્રમાં (1) લોઢા કમિટીની ભલામણો આધારિત સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તમામ જિલ્લા ક્રિકેટ એસોસિએશનોને મત આપવાના અધિકાર સાથે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સભ્ય બનાવવા અંગે, (2) સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમોના સિલેક્શન માટેની કમિટીમાં બીસીસીઆઈના નવા બંધારણ મુજબના રણજી ટ્રોફીની ઓછામાં ઓછી 25 મેચો રમેલા ખેલાડી જ પસંદગીકાર બની શકે તે નિયમનો ચુસ્તપણે અમલ કરાવવા અંગે, (3) બીસીસીઆઈમાંથી આવતી કરોડો રૂપિયાની ક્રિકેટ ડેવલપમેન્ટની ગ્રાન્ટનો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સરખો ઉપયોગ કરીને ક્રિકેટની રમતને વાસ્તવિક રીતે વધુ ડેવલપ કરવા અંગે, (4) સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના દસ વર્ષના હિસાબનું એક ફોરેન્સિક ઓડિટ કરાવવામાં આવે.કારણ કે બીસીસીઆઈ દ્વારા જે ‘ડેલોઈટ’ અને ‘પ્રાઈસ વોટરકુપર’ ઓડિટ કંપની દ્વારા કરવામાં આવેલ 2015-16 આસપાસના સમયમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નાણાકીય ગોટાળા સામે આવ્યા હતા.
આ મામલાની તપાસ હજુ પણ ચાલુ છે ત્યારે આ માટે ફોરેન્સિક ઓડિટ કરાવવું જોઈએ તે અંગે, (5) એક કુટુંબનું જ એસસીએમાં વર્ચસ્વ છે તેને બંધ કરીને દરેક જિલ્લાના પ્રતિનિધિની નિમણૂક કરવા સહિતના 10 પ્રશ્નોના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે.
આ તમામ દસ મુદ્દાઓ અંગે રૂબરૂમાં ચર્ચા કરવા માટે બીસીસીઆઈના સીઓએ વિનોદ રાયનો સમય માગવામાં આવ્યો છે. સીઓએ દ્વારા સમયની ફળવાની કરવામાં આવશે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાના ક્રિકેટ એસોસિયેશનો દિલ્હી જઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ચાલતી મનસ્વી વૃતિને દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
