Ahmedabad Nikol Crime News: પૂર્વ અમદાવાદના નિકોલ વિસ્તારમાં પારિવારિક સંબંધોને લાંછન લગાડતો અને માનવતાને શર્મસાર કરતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં માતા સમાન ગણાતી સગી જનેતા જેવી સાસુએ જ એક અજાણ્યા યુવક સાથે મળીને પોતાની સગીર વયની પુત્રવધૂ પર દુષ્કર્મ કરાવ્યું હોવાની હચમચાવી દેતી ફરિયાદ નોંધાતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે નિકોલ પોલીસે કડક વલણ અપનાવીને પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.
Nikol :બપોરના સમયે ઘરમાં ઘડાયું પાપી ષડયંત્ર
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી સત્તાવાર ફરિયાદ અનુસાર, મૂળ રાજસ્થાનની વતની એવી સગીરાના લગ્ન થયા બાદ તે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી પોતાની સાસરીમાં રહેવા આવી હતી. શરૂઆતના થોડા મહિના બધું સામાન્ય ચાલ્યું હતું. જો કે, ગત 7 મેના રોજ બપોરના સમયે સગીરા ઘરમાં આરામ કરી રહી હતી અને તેનો પતિ તેમજ સસરા પોતાના રોજિંદા કામકાજ માટે બહાર ગયા હતા, ત્યારે સાસુએ પોતાના જ ઘરમાં એક યુવકને બોલાવ્યો હતો.
સાસુએ હાથ પકડી રાખ્યા અને યુવકે આચર્યું દુષ્કર્મ
પીડિતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, સાસુ અને તે યુવકે મળીને સૌપ્રથમ સગીરાને પકડી લીધી હતી. ત્યારબાદ સાસુએ પુત્રવધૂના હાથ પકડી રાખ્યા હતા અને યુવકે સગીરાની લાચારીનો ફાયદો ઉઠાવી તેની સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. આ ભયાનક કૃત્ય બાદ પાપી સાસુની હેવાનિયત અહીં જ ન અટકી, તેણે પીડિતાને ધમકી આપી કે, “જો તું આ અંગે તારા પતિ કે અન્ય કોઈને પણ વાત કરીશ, તો તારા જાનથી મારીને ટુકડા કરી નાખીશ અને ક્યાંક ફેંકી દઈશ.” સાસુની આ ધમકીથી ડરી ગયેલી માસૂમ સગીરા ભયના ઓથાર હેઠળ જીવતી હોવાથી તેણે લાંબા સમય સુધી કોઈને કશું જ કહ્યું નહોતું.
પિયર પહોંચતા જ ભાંડો ફૂટ્યો; પરિવારે દાખવી હિંમત
ઘટનાના થોડા દિવસો બાદ પીડિતાની પિતરાઈ બહેન તેને તેડવા માટે રાજસ્થાનથી અમદાવાદ આવી હતી. સાસરીના નરકમાંથી મુક્ત થઈને સગીરા જ્યારે પોતાના પિયર પહોંચી, ત્યારે તેનો ડર થોડો ઓછો થયો હતો. તેણે રડતા રડતા પોતાના માતા-પિતાને સાસરીમાં બનેલી આખી આપવીતી જણાવી હતી. દીકરી સાથે થયેલા આ ભયાનક અન્યાય વિશે સાંભળીને પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. જો કે, પરિવારજનોએ હિંમત હાર્યા વગર ન્યાય મેળવવા માટે કાનૂની માર્ગ અપનાવવાનું નક્કી કર્યું હતું. તેઓ તાત્કાલિક રાજસ્થાનથી અમદાવાદ આવ્યા હતા અને નિકોલ પોલીસ સ્ટેશનમાં નરાધમ સાસુ અને યુવક વિરૂદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી.
આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસની કવાયત તેજ
પરિવારની ફરિયાદના આધારે નિકોલ પોલીસે સગીરાની સાસુ અને દુષ્કર્મ આચરનાર યુવક સામે પોક્સો (POCSO) એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કડક કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સોર્સના જણાવ્યા મુજબ, બંને નરાધમ આરોપીઓને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને ગણતરીના કલાકોમાં જ તેમની ધરપકડ કરી લેવામાં આવશે.
આ પણ વાંચો: પ્રેમ, મૈત્રી કરાર અને દગો: અમદાવાદમાં TRB જવાન સામે દુષ્કર્મની ફરિયાદ
આ પણ વાંચો: અમદાવાદમાં ફાયર મેનની દીકરી સાથે દુષ્કર્મ કરનારો ઝડપાયો
આ પણ વાંચો: અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતી સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ
