New Delhi News : ભારતીય જાસૂસ કાશ્મીર સિંહ (Kashmir Singh)ની કહાની દેશભક્તિ, સંઘર્ષ અને પરિવારની અતૂટ આશાનું પ્રતીક છે. વર્ષ 1973માં પાકિસ્તાનમાં પકડાયા બાદ તેમણે લગભગ 35 વર્ષ જેલમાં (Pakistan Jail)વિતાવ્યાં હતાં. ફાંસીની સજા મળવા છતાં તેઓ જીવતા ભારત પરત ફર્યા હતા. પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે માફી આપ્યા બાદ 4 માર્ચ, 2008ના રોજ તેઓ વાઘા બોર્ડર મારફતે ભારત પહોંચ્યા હતા. તેમની કહાની ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે.
ભારતીય સેના અને પંજાબ પોલીસમાં સેવા આપ્યા બાદ જાસૂસીનું કામ
કાશ્મીર સિંહ (Kashmir Singh)નો જન્મ 1941માં પંજાબમાં થયો હતો. 1960ના દાયકાની શરૂઆતમાં તેઓ ભારતીય સેનામાં જોડાયા હતા અને 1962થી 1966 દરમિયાન સેવા આપી હતી. ત્યારબાદ તેઓ પંજાબ પોલીસમાં જોડાયા હતા. મીડિયા અહેવાલો અનુસાર, પછી તેમને ભારતીય ગુપ્તચર એજન્સી માટે કામ કરવાની તક મળી હતી. આ કામ માટે તેમને દર મહિને આશરે 400 રૂપિયા મળતા હોવાનું કહેવાય છે.
તે સમયની જાસૂસી (Indian Spy)આજની જેમ ટેક્નોલોજી આધારિત નહોતી. માહિતી મેળવવા માટે ગુપ્ત રીતે સ્થળ પર જવું પડતું હતું અને દરેક પગલે જોખમ રહેતું હતું. કાશ્મીર સિંહે પણ આ જોખમી જવાબદારી સ્વીકારી હતી.
‘મોહમ્મદ ઇબ્રાહિમ’ નામે પાકિસ્તાનમાં પ્રવેશ, 1973માં ધરપકડ
મીડિયા અહેવાલો મુજબ, કાશ્મીર સિંહે ‘મોહમ્મદ ઇબ્રાહિમ’ નામનો ઉપયોગ કરીને પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો. તેમણે આ ઓળખ હેઠળ ઓળખપત્ર મેળવ્યું હોવાની પણ વિગતો સામે આવી હતી. જોકે, 1973માં પેશાવર-રાવલપિંડી માર્ગ નજીક પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓએ તેમને પકડી લીધા હતા.
તેમના પર જાસૂસી સહિતના આરોપો મૂકવામાં આવ્યા હતા. તેમની ધરપકડ બાદ ભારતમાં તેમનો પરિવાર મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો. પત્ની પરમજીત કૌર ત્રણ નાનાં બાળકો સાથે એકલાં રહી ગયાં હતાં. તે સમયે તેમનાં બાળકોની ઉંમર પણ દસ વર્ષથી ઓછી હતી.
પાકિસ્તાની લશ્કરી અદાલતે ફટકારી ફાંસીની સજા
1973ના અંતમાં પાકિસ્તાનની લશ્કરી અદાલતે કાશ્મીર સિંહ (Kashmir Singh)ને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. અહેવાલો અનુસાર, બાદમાં સિવિલ કોર્ટમાં પણ આ સજાને માન્યતા મળી હતી. દયા અરજીથી પણ તેમને તાત્કાલિક રાહત મળી નહોતી. જોકે, ફાંસી આપવામાં આવી નહોતી અને તેઓ લાંબા સમય સુધી મૃત્યુદંડની સજા પામેલા કેદી તરીકે જેલમાં રહ્યા હતા.
કાશ્મીર સિંહે મીડિયા સાથેની વાતચીતમાં જેલમાં ભોગવેલી યાતનાઓ અંગે જણાવ્યું હતું કે શરૂઆતના મહિનાઓમાં તેમની પાસેથી કબૂલાત મેળવવા માટે ત્રાસ આપવામાં આવ્યો હતો. તેમણે પાકિસ્તાનની સાત અલગ-અલગ જેલોમાં (Pakistan Jail)સમય વિતાવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, લગભગ 17 વર્ષ સુધી તેમને સાંકળોથી બાંધી રાખવામાં આવ્યા હતા અને લાંબા સમય સુધી એકાંત કેદમાં પણ રહેવું પડ્યું હતું.
પત્નીની આશા ટકી રહી, 1986માં પરિવારને મળ્યા જીવિત હોવાના સમાચાર
દાયકાઓ સુધી કાશ્મીર સિંહના પરિવારને તેમની સ્થિતિ અંગે ચોક્કસ જાણકારી નહોતી. તેઓ જીવિત છે કે નહીં, તે પણ પરિવાર માટે મોટો પ્રશ્ન હતો. 1986માં પાકિસ્તાનની લાહોર જેલમાંથી કેટલાક ભારતીય કેદીઓની મુક્તિ બાદ તેમના પરિવારને કાશ્મીર સિંહ જીવિત હોવાની જાણ થઈ હતી.
આટલા લાંબા સમય સુધી મુશ્કેલીઓ સહન કરવા છતાં તેમની પત્ની પરમજીત કૌરે પતિ પાછા ફરશે તેવી આશા છોડી નહોતી. પરિવાર માટે દરેક વર્ષ રાહ અને અનિશ્ચિતતામાં પસાર થતું હતું.
અંસાર બર્નીની મુલાકાત બાદ મુશર્રફે આપી માફી
વર્ષ 2008માં પાકિસ્તાની માનવાધિકાર કાર્યકર્તા અંસાર બર્ની (Ansar Burney)એ લાહોર જેલની મુલાકાત લીધી હતી. ત્યાં તેમની નજર લાંબા સમયથી જેલમાં બંધ ભારતીય કેદી કાશ્મીર સિંહ પર પડી હતી. તેમની લાંબી કેદ અને પરિસ્થિતિથી પ્રભાવિત થઈ બર્નીએ આ મામલો માનવતાના ધોરણે આગળ વધાર્યો હતો.
આ મામલો પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ (Pervez Musharraf)સુધી પહોંચ્યો હતો. અહેવાલો અનુસાર, મુશર્રફે કાશ્મીર સિંહને માફી આપીને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ભારત પરત ફરવાનો માર્ગ ખુલ્યો હતો.
4 માર્ચ, 2008ના રોજ વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા
લગભગ સાડા ત્રણ દાયકા જેલમાં વિતાવ્યા બાદ 4 માર્ચ, 2008ના રોજ કાશ્મીર સિંહ વાઘા બોર્ડર મારફતે ભારત પરત ફર્યા હતા. લાંબા સમયથી તેમના આગમનની રાહ જોઈ રહેલા પરિવાર માટે આ ક્ષણ ભાવુક બની હતી. પત્ની પરમજીત કૌર સાથેનું પુનઃમિલન તેમના જીવનની સૌથી યાદગાર ક્ષણોમાંનું એક હતું.
35 વર્ષ સુધી પરિવારથી દૂર રહ્યા બાદ તેઓ પોતાના વતન પહોંચ્યા હતા. તેમની કહાની માત્ર એક કેદીની મુક્તિની ઘટના નથી, પરંતુ મુશ્કેલ સંજોગોમાં પણ આશા જાળવી રાખનાર પરિવારની લાગણી સાથે જોડાયેલી છે.
તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક શેષપાલ વૈદ્યએ પણ કાશ્મીર સિંહની હિંમતને સલામ કરી હતી. તેમણે સરકારને આવા લોકો અને તેમના પરિવારની સંભાળ રાખવા અપીલ કરી હતી. કાશ્મીર સિંહની કહાની આજે પણ લાંબી કેદ, દેશસેવા અને પરિવારના અતૂટ વિશ્વાસની યાદ અપાવે છે.
