નવી દિલ્હી,
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની લોકપાલ સમિતિએ એક ટીવી શોમાં મહિલાઓ પર આપત્તિજનક ટિપ્પણી કરનારા હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલને 20-20 લાખનો દંડ ફટકાર્યો છે. બીસીસીઆઇ લોકપાલ અનુસાર આ બન્ને ખેલાડીએ શહીદ થયેલા પૈરા મિલિટ્રી ફોર્સના કોન્સટેબલના પરિવારને 1-1 લાખ રૂપિયા આપવા પડશે અને તેટલી જ રાશિ બ્લાંઇડ ક્રિકેટ એસોસિયેશનને પણ આપશે. આ રાશિ ચાર સપ્તાહમાં જમા કરવાનો આદેશ અપાયો છે. જો હાર્દિક અને કે એલ રાહુલ નિર્ધારિત સમય મર્યાદામાં આ દંડની ચૂકવણી નહીં કરે તો તેની ક્રિકેટ ફીમાંથી આ રકમની વસૂલાત કરાશે તેવું બીસીસીઆઇના લોકપાલે કહ્યું હતું.
નોંધનીય છે કે હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયક્ત લોકપાલ ન્યાયમૂર્તિ ડી કે જૈને કોફી વીધ કરન કાર્યક્રમમાં વિવાદિત નિવેદન કરનારા રાહુલ અને પંડ્યાના ગત સપ્તાહે નોટિસ જારી કરીને સુનાવણીમાં હાજર થવાનું ફરમાન કર્યું હતું.
વિવાદ બાદ બન્ને ખેલાડીઓને કરાયા હતા સસ્પેન્ડ
પંડ્યા અને કે એલ રાહુલે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રસારિત થયેલા કોફી વિધ કરન શોમાં મહિલાઓ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. આ વિવાદિત નિવેદન બાદ ખૂબજ હોબાળો થયો હતો. સોશિયલ મીડિયામાં પણ બન્ને ખેલાડીઓની સખત ટીકા કરાઇ હતી. ત્યારબાદ બન્નેને સસપેન્ડ કરાયા હતા. આ વિવાદને કારણે બન્ને ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયા પ્રવાસને અધવચ્ચે પડતો મુકીને પરત ફરવું પડ્યું હતું.
