મુંબઈ,
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા આગામી વર્ષ માટે ફ્યુચર ટુર પ્રોગ્રામ (FTP) જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ ૨૦૧૮ થી લઇ ૨૦૨૩ સુધી અલગ – અલગ ફોર્મેટમાં સૌથી વધુ ૨૦૩ આંતરાષ્ટ્રીય મેચ રમશે.
વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ટીમ ૨૦૩ મેચમાં ૫૧ ટેસ્ટ મેચ, ૮૩ વનડે મેચ અને ૬૯ ટી-૨૦ આંતરાષ્ટ્રીય મેચ રમશે તેવી સંભવાના છે.
પાંચ વર્ષમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમવા બાબતે ભારત ટીમ બાદ બીજા સ્થાને વેસ્ટઈન્ડીઝ (૧૮૬ મેચ) અને ત્રીજા સ્થાને રહેલું ઈંગ્લેન્ડ ૧૭૫ મેચ રમશે.
બીજી બાજુ ટેસ્ટ મેચ રમવામાં ભારતીય ટીમ બીજા સ્થાને છે, જ્યારે ઈંગ્લેન્ડ ૫૯ ટેસ્ટ સાથે પહેલા નંબરે છે અને ઓસ્ટ્રેલિયા ૪૭ ટેસ્ટ મેચ સાથે ત્રીજા સ્થાન પર છે. જયારે વનડે મેચ અને ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ મામલે ભારત વેસ્ટઈન્ડીઝથી આગળ છે.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “એક એફટીપી દ્રિપક્ષીય સમજૂતીની જેમ છે, પરંતુ કેલેન્ડર નિર્માણમાં આઈસીસી પોતાના અભિપ્રાય આપશે. જે લોકો વિચારે છે કે બીસીસીઆઈ ટેસ્ટ મેચને નજરઅંદાજ કરી રહ્યું છે, તેમના માટે વળતો જવાબ છે કેમ કે ભારત પાંચ વર્ષમાં ૫૦થી વધુ ટેસ્ટ મેચ રમશે”.
