જયપુર,
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે ૭ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. રાજસ્થાન દ્વારા આપવામાં આવેલા ૧૬૧ રનના ટાર્ગેટનો પીછો કરતા KKRની ટીમે ૭ વિકેટે વિજય હાંસલ કર્યો હતો.
The @KKRiders beat #RR by 7 wickets.#RRvKKR #VIVOIPL pic.twitter.com/UqayKT6fln
— IndianPremierLeague (@IPL) April 18, 2018
કોલકત્તા નાઈટ રાઈડર્સના શાનદાર વિજયના હિરો મિડલ ઓર્ડર બેટ્સમેન રોબિન ઉથપ્પા અને કેપ્ટન દિનેશ કાર્તિક અને નીતીશ રાના રહ્યા હતા. પરંતુ નીતીશ રાનાને તેઓના ઓલરાઉન્ડર પ્રદર્શનના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટના નુકશાને ૧૬૦ રનનો સ્કોર ખડકયો હતો. રાજસ્થાન તરફથી કેપ્ટન અજીન્ક્ય રહાને અને ઓપનર ડાર્સી શોટની જોડીએ પ્રથમ વિકેટ માટે ૫૪ રન જોડ્યા હતા. રહાનેએ ૧૯ બોલમાં ૩૬ રન બનાવ્યા હતા. જયારે ડાર્સી શોટે ૪૩ બોલમાં ૪૪ રન બનાવ્યા હતા.
જો કે ત્યારબાદ રાજસ્થાનનો કોઈ પણ ખેલાડી ક્રિઝ પર ટકી શક્યો ન હતો અને પૂરી ટીમ માત્ર ૧૬૦ રન બનાવી શકી હતી. વિકેટકીપર બેટ્સમેન જોશ બટલરે ૨૪ રન ફટકાર્યા હતા. KKRની ટીમ તરફથી ઝડપી બોલર ટોમ કુરાન અને સ્પિનર નીતિશ રાનાએ અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.
RR દ્વારા આપવામાં આવેલા ૧૬૧ રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકત્તાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને સ્ફોટક ઓપનર બેટ્સમેન ક્રિશ લીન માત્ર ૪ રન નોધાવી પેવેલિયનમાં ભેગો થયો હતો. જયારે અન્ય સાથી ઓપનર સુનિલ નરેને ૨૫ બોલમાં ૩૫ રન બનાવી આઉટ થયો હતો.
સુનિલ નરેનના આઉટ થયા બાદ મેદાને આવેલા મિડલ ઓર્ડર બેટ્સમેન રોબિન ઉથપ્પાએ માત્ર ૩૬ બોલમાં ૪૮ રન બનાવી ટીમ માટે વિજયનો પાયો નાખ્યો હતો. જો કે ઉથ્થપાના આઉટ થયા બાદ મેચ જીતવા માટે જરૂરી સ્કોર નીતિશ રાના અને કેપ્ટન દિનેશ કાર્તિકની જોડીએ વટાવી ટીમને ૭ વિકેટે વિજય અપાવ્યો હતો.
કેપ્ટન દિનેશ કાર્તિકે માત્ર ૨૩ બોલમાં અણનમ ૪૨ રન ફટકાર્યા હતા જયારે નીતિશ રાનાએ ૩૫ રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન તરફથી ઝડપી બોલર ગૌતમે ૨ વિકેટ ઝડપી હતી.
