સ્ટેચ્યુ ઓફ યુનિટિ જવા ઇચ્છતા મુલાકાતીઓ માટે સારા સમાચાર આવ્યા છે. નર્મદા જિલ્લામાં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને નવું એરપોર્ટ મળશે જે 520 એકરમાં બનશે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિને એર ક્નેક્ટિવિટી મળતા આસપાસના વિસ્તારોને પણ લાભ થશે. 520 એકરમાં બનના એરપોર્ટ પર રનવેની કુલ લંબાઈ ત્રણ કિલોમીટર હશે. SOU ખાતે એર કનેક્ટિવિટી સુવિધા મામલે સરકારની સૈદ્ધાંતિક સંમતિ બાદ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલમાં, સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ વડોદરા છે. વડોદરામાં ઉતર્યા બાદ પ્રવાસીઓ રોડ માર્ગે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચે છે. આ સિવાય ઘણા લોકો સુરત અને અમદાવાદ વચ્ચે શરૂ કરવામાં આવેલ ફલાઈટ સુવિધાનો પણ ઉપયોગ કરતા હોય છે. રાજ્ય સરકાર વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિને ગુજરાતનું Most Popular ટૂરિસ્ટ પ્લેસ બનાવવાની યોજના ધરાવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિને લઈને વિધાનસભામાં પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં સરકાર દ્વારા આ માહિતી શેર કરવામાં આવી.
ગુજરાત સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વના સૌથી મોટા ટુરિસ્ટ હબમાં સામેલ કરવા માંગે છે. 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને એક કરનાર સરદાર પટેલની 182 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું. કોરોનાના કારણે વચ્ચેના વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો, પરંતુ પ્રવાસીઓ મોટી સંખ્યામાં કેવડિયામાં રોકાઈ રહ્યા છે. કેવડિયાના એકતા નગરમાં અનેક મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ગુજરાત સરકારે વિધાનસભામાં કેવડિયા ખાતે એરપોર્ટ બનાવવાની યોજનાનું અનાવરણ કર્યું હતું. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ના પ્રશ્નના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રી દ્વારા આ માહિતી શેર કરવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે હાલમાં તિલકવાડામાં એરપોર્ટ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ સાથે સિદ્ધપુર અને વડનગરમાં પણ એરપોર્ટની શકયતાઓની તપાસ ચાલી રહી છે.
ધારાસભ્ય શૈલેષ મહેતાએ કહ્યું કે મેં એકતા નગરના એરપોર્ટની વિગતો માંગી હતી. તેના જવાબમાં સરકારે કહ્યું કે ત્યાં એરપોર્ટ બનાવવામાં આવશે. મહેતાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુલાકાતીઓની સંખ્યામાં ધસારો જોવા મળી રહ્યો છે. દેશ-વિદેશથી લોકો નર્મદા જિલ્લામાં આવેલ સરદારની આ ઊંચી પ્રતિમા નિહાળવા આવતા હોય છે. 2023માં મુલાકાતીઓનોવધુ ઘસારો જોવા મળ્યો. પાંચ વર્ષના ગાળામાં, આશ્ચર્યજનક રીતે કુલ 1,75,26,688 પ્રવાસીઓ નોંધાયા હતા, જ્યારે 29 ડિસેમ્બર, 2023 સુધીમાં, પ્રવાસીઓની સંખ્યા 50,29,147 સુધી પહોંચી જે બતાવે છે કે SOU હવે વિશ્વ પ્રસિદ્ધ સ્થળ બની ગયું છે. આથી અમદાવાદ અને મુંબઈ જેવા શહેરો સાથે સીધી કનેક્ટિવિટી હોવી જરૂરી છે. તેનાથી પ્રવાસીઓની સંખ્યામાં વધુ વધારો થવા સાથે એરકનેક્ટીવિટીના લાભ મળતા તેમને વધુ સુગમતા રહેશે. નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ સ્ટેચ્યુ ઑફ યુનિટી ટુ અમદાવાદ સી પ્લેન યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ એપ્રિલ, 2021માં આ યોજના બંધ કરી દેવામાં આવી હતી. તેની શરૂઆત સ્પાઇસજેટ દ્વારા કરવામાં આવી હતી.