Vadodara News: વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ (MS) યુનિવર્સિટીમાં એક પછી એક ચાલતા વિરોધ પ્રદર્શન શમવાનું નામ લઈ રહ્યા નથી. 200 વિદ્યાર્થીઓ સામે કરવામાં આવેલા કેસ પરત ખેંચવામાં નહીં આવે તો યુનિવર્સિટી બંધનું એલાન આપવાની પણ જાહેરાત થઈ છે.
એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો મુદ્દો પેચીદો બન્યો છે. આંદોલન પાછળનું કારણ જ આ મુદ્દો છે. રાજ્યભરની યુનિવર્સિટીઓનું એકીકરણ કરવાના મુદ્દે રાજ્ય સરકારે કાયદો પસાર કર્યો છે. તેના લીધે હવે શહેરના વિદ્યાર્થીઓએ જંગી ફી ભરીને ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
વિદ્યાર્થીઓનો આરોપ છે કે યુનિવર્સિટી પ્રવેશ આંદોલનને ડામવાના ઇરાદે વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ કરીને આંદોલનને નબળું પાડવાનો પ્રયત્ન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજય કુમાર કરી રહ્યા છે. તેના હેઠળ 200થી વધુ વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ કરવામાં આવ્યા છે. તેના લીધે આંદોલનકારીઓ ભડકેલા છે.
આટલું ઓછું હોય તેમ તાજેતરમાં યુનિ. હોસ્ટેલની મેસની ફીમાં ઠોકી બેસાડવામાં આવેલા વધારા બાદ પ્રચંડ વિરોધ ફાટી નિકળ્યો હતો. આ નિર્ણય પરત લેવા માટે વિદ્યાર્થીઓ વીસીના ઘરે રજૂઆત કરવા ગયા હતા. ત્યાં રૂ. 2 હજારનું નુકશાન થતા 200 વિદ્યાર્થીઓ સામે રાયોટિંગ સહિતના કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
તેના પછી યુનિવર્સિટીના ચીફ વોર્ડન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેમના દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 50 ટકા જેટલા વિદ્યાર્થીઓ ભોજનની ગુણવત્તા વધારવા માટે ફી વધારાને લઇને સહમત થયા હતા. બીજી તરફ વિદ્યાર્થીઓ દ્વારા ગૂગલ ફોર્મ થકી કરવામાં આવેલા સર્વેમાં 99 ટકા વિદ્યાર્થીઓએ આ વાતનો વિરોધ દર્શાવ્યો હતો.
આ પણ વાંચો: Gujarat Rain Live 8 July: રાજ્યમાં ક્યાં જીલ્લામાં કેટલો છે વરસાદ
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા