સુરત એસીબી દ્વારા વધુ એક વખત સફળ ટ્રેપ કરવામાં આવી છે. આ વખતે એસીબી દ્વારા સુરતના સુડામાં નોકરી કરતી મહિલા સહિત એક કમ્પ્યુટર ઓપરેટરને લાંચ લેતા ઝડપી પડ્યા છે. આ બંને કર્મચારીઓએ 34 હજારની લાંચ લેતા પકડાયા છે.એક વખત સરકારી નોકરી મળી ગયા બાદ નોકરી માત્ર ઉપરની કમાણીનું સાધન સમજીને લોકો પાસે આડેધડ લાંચ માંગતા અધિકારીઓ સામે કાર્યવાહી માટે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે સુરત શહેરમાં પણ આઉટસોર્સ થકીથી સરકારી નોકરીમાં આવેલા કમ્પ્યુટર ઓપરેટર અને સુડા ભવનમાં ડિસ્પેચ ક્લાર્ક તરીકે ફરજ બજાવતી મહિલાએ એક અરજીના નિકાલ માટે લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી દ્વારા સુરત મહાનગર પાલિકાના વોર્ડનં 4ના એક કર્મચારીને વેરા બીલમાં નામ ફેર કરવા માટે અરજી આપી હતી, આ અરજી સંદર્ભે અકિંત પટેલ જે સુરત મનપનાના સેન્ટ્રલ ઝોનમાં ગુમાસ્તા વિભાગમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેમણે વેરા બિલમાં ભરવાના થતાં 54 હજારની સામે માત્ર 34 હજારમાં સેટલ કરી આપવાની ફરિયાદીને વાત કરી હતી. ફરિયાદીને તેમણે 11 હજાર રૂપિયાની રસીદ જ આપવાની વાત કરી હતી. જો કે ફરિયાદી દ્વારા અધિકારી સાથે વાત કરાવવાની વાત કરવામાં આવતા અંકિતે સુડા ભવનમાં ડિસ્પેચ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નિરાલી દવે સાથે વાત કરાવી હતી
જો કે ફરિયાદી આ સમગ્ર મામલે લાંચ આપવા માટે તૈયાર નહોતા તેથી તેમણે આ અંગેની ફરિયાદ એસીબીને કરી હતી. એસીબી દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદીની ફરિયાદ સાંભળીને એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ફરિયાદ દ્વારા આ સમગ્ર મામલે અંકિતને સુરતના અડાજણ એસ ટી ડેપો ખાતે બોલાવવામાં આવ્યો હતો. ત્યાં આવ્યા બાદ ફરિયાદી દ્વારા વોર્ડ નંબર 4ના અધિકારી અંગે પૂછતા તેમણે ફરી નિરાલી દવે સાથે વાત કરાવી હતી. નિરાલી દવે સાથે વાત કરાવતા ફરિયાદીએ અંકિતને 34 હજાર રૂપિયા આપ્યા હતાં. 34 હજાર રૂપિયા અંકિત પાસે પહોંચતા જ એસીબીની ટીમ ત્રાટકી હતી. એસીબીની ટીમ દ્વારા અંકિતની પ્રથમ અટકાયત કર્યા બાદ અધિકારી અંગે પૂછતાછ કરી હતી. જોકે આ કાંડમાં નિરાલી દવે સામેલ હોવાનું સામે આવતા એસીબીએ બંને આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરત એસીબી દ્વારા આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે આ બંને કર્મચારીઓ દ્વારા ક્યાં કેટલા લોકો પાસેથી આ પ્રકારને ખોટુ બોલી લાંચ લીધી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત આ બંને કર્મચારીઓ પાસે બેનામી મિલકતો છે કે તેમ તેની તપાસ કરાશે.
